નવી દિલ્હી: લિબિયાના (Libya) સિર્તે શહેરમાં એક જગ્યાએ ખોદકામ દરમિયાન અધધ મૃતદેહો (Dead Bodies) મળી આવતા વહીવટીતંત્રમાં ડર પ્રસરી ગયો હતો. કારણ કે લિબિયાના સત્તાવાળાઓએ સિર્તે શહેરમાં ખોદકામ દરમિયાન એક સામૂહિક કબર શોધી કાઢી હતી, જેમાં એક પછી એક ઘણા બધા અજાણ્યા મૃતદેહો મળી આવ્યા હતા.
અસલમાં લિબિયા શહેર પર એક સમયે ‘ઈસ્લામિક સ્ટેટ’ જૂથ એટલે કે આઈએસઆઈએસ ISISના આતંકવાદીઓનો કબજો હતો. ત્યારે લિબિયાની એક સરકારી એજન્સીએ આ જાણકારી આપી હતી. તેમના જણાવ્યા મુજબ ગુમ થયેલા લોકોની શોધ અને ઓળખ માટે કામ કરતી રાષ્ટ્રીય એજન્સીના કર્મચારીઓએ ખોદકામ દરમિયાન કુલ 24 મૃતદેહો શોધી કાઢ્યા હતા.
એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે તેમની ટીમને રાજધાની ત્રિપોલીથી લગભગ 450 કિલોમીટર પૂર્વમાં સિર્તે શહેરમાં 24 મૃતદેહો મળી આવ્યા હતા, જેમાંથી 17 મૃતદેહો નાશ પામેલી ઇમારતોની નીચેથી મળી આવ્યા હતા. આ સામૂહિક કબર ક્યારે બની તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી. ત્યારે યુએસ સમર્થિત દળોએ ડિસેમ્બર 2016માં આતંકવાદીઓને બહાર કાઢ્યા તે પહેલા સિર્તેને ઘણા વર્ષો સુધી ISIS દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.
ISIS 2011થી લીબિયામાં અશાંતિનો ફાયદો ઉઠાવી રહ્યું હતું
આ આતંકવાદી જૂથે 2011ના વિદ્રોહ પછી લિબિયામાં અશાંતિનો ફાયદો ઉઠાવ્યો હતો. લિબિયાના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ફોરેન્સિક નિષ્ણાતોએ તપાસ માટે કુલ 59 અજાણ્યા મૃતદેહોમાંથી ડીએનએ સેમ્પલ લીધા છે. જે મૃતદેહોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં સિર્તેમાંથી મળેલા 24 મૃતદેહોનો સમાવેશ થાય છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. આ મૃતદેહોને શહેરના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે.
આફ્રિકન દેશ લિબિયા
લિબિયા દેશ આફ્રિકા ખંડના ઉત્તર ભાગમાં 17.6 લાખ કિમી ચોરસમાં ફેલાયેલો છે. તેની રાજધાની ત્રિપોલી છે. લિબિયા ભૂમધ્ય સમુદ્ર, ટ્યુનિશિયા, અલ્જેરિયા, નાઇજર, ચાડ, સુદાન અને ઇજિપ્તથી ઘેરાયેલું છે. આ સાથે જ લિબિયાની કુલ વસ્તી 67.4 લાખ છે. 2021ની વસ્તી ગણતરીના હિસાબે લિબિયાની જીડીપી 23 હજાર કરોડ છે. ત્યારે લિબિયાની 95% આવક પેટ્રોલિયમ સેક્ટરમાંથી આવે છે, જે દેશના જીડીપીમાં 60% હિસ્સો ધરાવે છે. ઓછી વસ્તી અને પેટ્રોલિયમ ક્ષેત્રમાં વધુ નફાને કારણે લિબિયાની માથાદીઠ આવક 5 લાખથી ઉપર છે. આ કારણોસર લીબિયા મુખ્ય અર્થતંત્રોની યાદીમાં 91માં નંબર પર છે.