ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી ગૃહમાં ગરમાવો જોવા મળ્યો હતો. બિલ રજૂ કરવાનો હેતુ સમજાવતા તેમણે કહ્યું કે કાયદાકીય અસમાનતાના કારણે ઘણી મહિલાઓને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડે છે, જેને દૂર કરવા આ બિલ જરૂરી બન્યું છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હવે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને યુવતીઓ સાથે છેતરપિંડી કરી લગ્ન નહીં કરી શકે.
આવા કેસોમાં બિનજામીનપાત્ર ગુનાની જોગવાઈ કરવામાં આવી છે. ચર્ચા દરમિયાન હર્ષ સંઘવીએ એક સંવેદનશીલ કેસનો ઉલ્લેખ કર્યો, જેમાં લગ્ન બાદ મહિલાને દહેજ માટે ત્રાસ આપવામાં આવ્યો અને પતિએ બીજી સાથે લગ્ન કરી પહેલી પત્નીને બાળક સાથે ઘર બહાર કાઢી મૂક્યાનો આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે આવા કેસો કાયદાકીય ખામીઓ દર્શાવે છે. હર્ષ સંઘવીએ ‘હલાલા’ પ્રથાને લઈને પણ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે તેનાથી મહિલાઓના જીવન પર પ્રતિકૂળ અસર પડે છે. જોકે, કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે વિરોધ નોંધાવતા કહ્યું કે રજૂઆત અધૂરી છે અને ખોટો સંદેશ ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
મહિલાઓની સુરક્ષા પર ભાર
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બળજબરી, ધમકી અથવા છેતરપિંડીથી કરવામાં આવેલા લગ્નોને કાયદેસર માન્યતા નહીં મળે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી થશે. વિધાનસભામાં UCC બિલને લઈને સત્તા અને વિરોધપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા ચાલી રહી છે, જેમાં સામાજિક સમાનતા અને મહિલા સુરક્ષા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા છે.