સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યા વિના સ્થાપિત પ્લાન્ટમાં ફેરફારો કરવાની પરિયોજના રજૂ કરતા જીપીસીબી (GPCB)ના સુરત (Surat) રિજીયનના નિયામક પરાગ દવે અને એડીશનલ કલેકટર ઝાલાની અધ્યક્ષતામાં કંપનીના પ્લાન્ટ-બી સિકયુરીટી ગેટ ખાતે લોકસુનાવણી (Public hearing) રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હજીરા વિસ્તારના આઠ ગામો, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના ગ્રામીણો, ગુજરાત ખેડૂત સમાજ (Gujarat farmer society)ના આગેવાનો, એનજીઓના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સુનાવણીમાં સ્થાનિક ગ્રામીણોએ કંપની દ્વારા હવામા રજકણો દ્વારા ફેલાતા પ્રદૂષણ અને 17 એમએલડી વેસ્ટ વોટર દરિયામાં છોડવાને લીધે માછીમારીને થતી અસર અંગે ચિંતા વ્યકત કરી હતી. તે ઉપરાંત સ્થાનિકોને કંપની રોજગારી આપે તે મુદ્દો પણ ઉભો કર્યો હતો. સ્થાનિક આગેવાનોએ સુરત-હજીરાના એકમાત્ર રસ્તાને બદલે હજીરા અને મોરાને જોડતો બીજો વૈકલ્પિક રસ્તો ઇમરજન્સીની સ્થિતિમાં નિર્માણ કરવા માગ કરી હતી. આગેવાનોની રજૂઆત એવી હતી કે હજીરા વિસ્તારમાં કરોડોના ખર્ચે મલ્ટિનેશનલ કંપનીઓ કામ કરી રહી છે પરંતુ આ કંપનીઓએ આ વિસ્તારના ગ્રામીણો માટે એક પણ હોસ્પિટલનું સર્જન કર્યું નથી. લોકસુનાવણી દરમિયાન હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંડળીના પ્રમુખ છોટુભાઇ પટેલ, માજી પ્રમુખ ધનસુખ પટેલ, યુથ ફોર હજીરાના જેનિસ પટેલ, ધર્મેશ પટેલ, ઉમેશ પટેલ, નવીન પટેલ, હિમાંશુ પટેલ, અતુલ પટેલ, બાબુભાઇ આહીર, ભગુભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ કંપની પર્યાવરણને લગતા સુધારાઓ કરે તથા સ્થાનિકોને મહત્તમ રોજગારી આપે એવી માગ કરી હતી.
ભગુ વિમલ, જયેલ પાલ, દર્શન નાયક સહિતના આગેવાનોને રજૂઆત કરતા અટકાવાયા
લોકસુનાવણી દરમિયાન જીપીસીબીના અધિકારીઓએ 10 કિ.મી.ની રેડીએસમાં આવતા સ્થાનિક લોકોને જ મૌખિક રજુઆત કરવાની તક આપવામાં આવશે. તેવી સ્પષ્ટતા સાથે માજી મંત્રી ભગુ વિમલ, ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલ, પર્યાવરણવિદ એમ.એચ.એસ. શેખ અને ખેડૂત અગ્રણી દર્શન નાયકને નિયમ દર્શાવી રજૂઆત કરતા અટકાવ્યા હતા. જોકે તેમને લેખિતમાં રજૂઆત આપવાની છૂટ આપવામાં આવતા તેમણે ડોકયુમેન્ટ જમા કરાવ્યા હતા.
એએમએનએસ શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને ટ્રેનિંગ પાછળ પાંચ વર્ષમાં 16 કરોડનો ખર્ચ કરશે: દિપક શાહ
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ વતી લોકસુનાવણીમાં ઉપસ્થિત રહેલા કંપનીના તજજ્ઞ દિપક શાહે જણાવ્યું હતું કે કંપનીની અત્યારે ક્ષમતા 9.6 મિલિયન ટન છે. જો કે અત્યારે 7.2થી 7.5 કેપેસીટી સુધી પહોંચી શકયા છે. 50 હજાર કરોડનું નવુ મૂડી રોકાણ આવશે તો ગ્રામીણ ઇકોનોમીને વેગ મળશે. સ્થાનિક યુવાનોને રોજગારી મળવા ઉપરાંત કોન્ટ્રાકટના કામો થકી પણ રોજગારીનું સર્જન થશે. કંપની શિક્ષણ, આરોગ્ય, રમતગમત અને ટ્રેનિંગની સુવિધા માટે પાંચ વર્ષમાં 16 કરોડનો ખર્ચ સીએસઆર ફંડમાંથી કરશે. કંપની ધીમે ધીમે ઓટોમાઇઝેશન તરફ આગળ વધી 0 ડીસ્ચાર્જ પ્રોજેકટ તરફ પ્લાન્ટને લઇ જશે. એએમએનએસને કંપની ટેકઓવર કર્યાને માત્ર એક વર્ષનો સમય થયો છે. હવામા ઉડતી રજકણો અંગે કંપની સ્ટ્રકચર બનાવી રહી છે.
ડિસેમ્બર 2021 સુધીમાં આ પ્રશ્નોનો 50 લેવલ સુધી અંત લાવવામાં આવશે. કંપની સ્થાનિકોને રોજગારી આપતી નથી એ આક્ષેપ ખોટો છે. તેમણે જણાવ્યું હતું કે કંપનીમાં કાર્યરત 3000 કર્મચારીઓ પૈકી મોટી સંખ્યામાં કર્મચારીઓ સ્થાનિક કર્મચારીઓ છે. કંપનીમાં અત્યારે 180 કર્મચારીઓ કામ કરી રહયા છે. કંપની દ્વારા કેમ્પસ સિલેકશન માટે પણ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટ્રેનિંગ માટે પણ માળખુ બનાવવામાં આવશે. કંપનીએ કોવિડ-19 કોરોનાની બીજી લહેર દરમિયાન માત્ર 78 કલાકમાં 250 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરી હતી. જેનો મહત્તમ લાભ સ્થાનિક લોકોએ મેળવ્યો હતો.