આખરે જેનો ડર હતો તે થયું જ. પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે કરોડો લોકો ઊમટી પડ્યા અને ભાગદોડમાં 20થી વધુ કચડાઈ ગયા. મધરાત્રે દોઢ વાગ્યે લોકોની ભીડ સંગમ કિનારે વધી ગઈ અને તમામે સંગમ ખાતે જ સ્નાન કરવાનો આગ્રહ રાખતા નાસભાગ મચી અને પછી લોકો કચડાયા, બૂમો પાડી, ચીસાચીસ થઈ અને અંતે અનેકના મોત થઈ ગયા. અનેક ઘાયલ થઈ ગયાં.
બુધવારે સાંજ સુધીમાં મોતનો આંક 20નો ગણાવાતો હતો પરંતુ તે વધે તો નવાઈ નહી. એ સદનસીબ કે આ ભાગદોડમાં મોતનો આંક એટલો વધ્યો નહીં, નહીં તો મહાકુંભ મહા મોતનો મેળો થઈ ગયો હોત. મહાકુંભમાં થયેલી ભાગદોડ માટે અફવા ફેલાવનારાઓ કે પછી અન્યોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે પરંતુ ખરેખર આ યુપી સરકારની જ ભૂલ છે કે જે ભક્તોને મોત સુધી લઈ ગઈ. યુપી સરકારને ખબર હતી કે આ મહાકુંભમાં કરોડો લોકો ભેગા થવાના છે.
આ તમામ લોકો સંગમ ખાતે જ સ્નાન કરવાના છે તો પછી યુપી સરકારે તેના માટે યોગ્ય વ્યવસ્થાઓ કેમ ઊભી નહીં કરી? કરોડો લોકો આવવાના હોય તો પછી ભાગદોડ નહીં થાય તે વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સરકારની હતી અને તેમાં યુપી સરકાર ઉણી ઉતરી છે.
એ પહેલેથી જ નક્કી હતું કે આ વખતનો મહાકુંભ દર 144 વર્ષે આવતો મહાકુંભ છે. જે રીતે કુંભમાં લોકો ઉમટી પડે છે તે રીતે મહાકુંભમાં ભક્તોની સંખ્યા વધવાની જ હતી. તેમાંય જ્યારે શાહી સ્નાન, અમૃત સ્નાન કે પછી માઘ સ્નાન હોય તો ભક્તોનો મહેરામણ ઉમટવાનો હતો. મહાકુંભમાં મૌની અમાસ પર સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. જેને કારણે આખા દેશના ખૂણેખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી ગયા હતા.
સ્નાન માટે 45 ઘાટ બનાવવામાં આવ્યા છે પરંતુ કરોડો લોકોની ભીડ સંગમ ઘાટ તરફ જવા માંડી હતી. જેને પ્રશાસન સંભાળી જ શક્યું નહીં.
લોકોની ભીડને કાબુમાં કરી શક્યું નહીં. હોનારત થયા બાદ વહીવટીતંત્રને ભાન આવ્યું હતું. મહાકુંભમાં ભીડ ડાયવર્ઝન યોજના લાગુ કરવામાં આવી. મેળા વિસ્તારમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને ભીડને શહેરની બહાર જ રોકી દેવામાં આવી.

અકસ્માત પછી સંગમના કાંઠે એનએસજી કમાન્ડોને મુકવામાં આવ્યા. આ સ્થળ પર સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. એ તો સારું થયું કે હોનારતને પગલે તમામ 13 અખાડાઓએ મૌની અમાવસ્યાના રોજના અમૃત સ્નાનને તાત્કાલિક રદ કર્યું. જેને કારણે પરિસ્થિતિ વધુ બગડતી અટકી ગઈ હતી. પરિસ્થિતિ કાબુમાં આવતા અખાડાઓ દ્વારા સ્નાન કરવામાં આવ્યું,, પરંતુ જે સમજ અખાડાઓને આવી તે સરકારને નહોતી આવી તે કમનસીબ છે.
ભારત એક એવો દેશ છે કે જેની વસતી 140 કરોડ કરતાં પણ વધુ છે. કોઈપણ મેળામાં લાખો લોકો ઉમટે છે. તેમાં તો આ મહાકુંભ હતો. આ વખતે જે રીતે મહાકુંભનો પ્રચાર થયો અને તેમાં પણ જે રીતે સોશિયલ મીડિયા દ્વારા તેનો પ્રચાર કરવામાં આવ્યો તેણે કરોડો ભક્તોમાં મહાકુંભ પ્રત્યે આસ્થા જગાડી હતી અને આ કરોડો ભક્તો પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આવે તેવી સંભાવના હતી. સરકાર ખરેખર આ પરિસ્થિતિને સમજવામાં થાપ ખાઈ ગઈ. આ હોનારતમાં ભક્તોનો વાંક એટલા માટે કાઢી શકાય તેમ નથી કે તેઓ શ્રદ્ધા અને આસ્થા સાથે મહાકુંભમાં સંગમ ખાતે સ્નાન કરવા માટે આવ્યા હતા.

યુપી સરકારની એ જવાબદારી હતી કે ભક્તો યોગ્ય રીતે સ્નાન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવે. મહાકુંભમાં જે રીતે કાળાબજારી ચાલી રહી છે તેને કાબુ કરવામાં પણ યુપી સરકાર નિષ્ફળ ગઈ છે.મહાકુંભ માટે આવતા વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામનો પણ સરકાર ઉકેલ લાવી શકી નથી. આ હોનારત યુપી સરકાર માટે એક સબક છે અને સરકાર અત્યારથી જ સમજીને સુવિધાઓ વધારે તે જરૂરી છે. આગામી દિવસોમાં માઘ સ્નાન અને મહાશિવરાત્રિ પણ આવવાની છે અને તે દિવસોમાં કરોડો ભક્તો ઉમટે તેવી સંભાવના છે જ. યુપી સરકાર જો આયોજનો નહીં કરશે તો આગામી દિવસોમાં મહાકુંભમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે તે નક્કી છે.
