દર વર્ષે તા.26મી જાન્યુઆરીના રોજ દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે. દેશના પ્રત્યેક નાગરિકે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો જ હશે. પરંતુ આજે દેશ આઝાદ થયાના 74 વર્ષ પછી પણ એવી હાલત છે કે મોટાભાગના નાગરિકો પ્રજાસત્તાક દિવસ વિશે જાણતા નથી. શા માટે સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ અલગ અલગ ઉજવાય છે તેની મોટાભાગનાને ખબર નથી. આજે તા.26મી જાન્યુઆરી, 2023ના રોજ પ્રજાસત્તાક દિવસ છે ત્યારે પ્રત્યેક નાગરિકને એ ખબર હોવી જ જોઈએ કે ભારત 15મી ઓગષ્ટના રોજ આઝાદ થયું હોવાથી 15મી ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી છતાં શા માટે 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.
હકીકત એ છે કે 15મી ઓગષ્ટના રોજ ભારત ભલે આઝાદ થયું પરંતુ ત્યારે દેશનું કાયમી બંધારણ હતું નહીં. તે સમયે દેશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર આધારીત સુધારેલા વસાહતી કાયદા પર ચાલતો હતો. આઝાદ થયો હોવા છતાં પણ દેશ તે સમયે બ્રિટનના રાજા પંચમ જ્યોર્જનાં આધિપત્યમાં ગણાતો હતો અને દેશમાં સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલ હતા અને આ પદ પર તે સમયે લોર્ડ માઉન્ટબેટન બેસતા હતા.
આ સ્થિતિ લાંબો સમય ચલાવી શકાય નહી. જેને કારણે તા.29મી ઓગષ્ટ, 1947માં કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકરને ચેરમેન બનાવીને એક મુસદ્દા સમિતી બનાવવામાં આવી હતી. સમિતીએ તા.4થી નવે., ના રોજ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો અને તેને બંધારણ સભા સામે મુકવામાં આવ્યો. આ મુસદ્દા પર ચર્ચા કરવા માટે બંધારણ સભા દ્વારા 166 દિવસ ચર્ચા માટે સત્ર બોલાવવામાં આવ્યું. આ સત્ર બાદમાં 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ ચાલ્યું હતું અને બાદમાં અનેક ચર્ચાઓ અને સુધારા બાદ દેશના બંધારણને તા. 24મી જાન્યુ., 1950ના રોજ મંજૂર કર્યું હતું. બે દિવસ બાદ આ બંધારણને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું અને તેને કારણે તા.26મી જાન્યુ.થી બંધારણ પ્રમાણે દેશનું શાસન શરૂ થયું.
તા.26મી જાન્યુ.,થી દેશનું નવું બંધારણ અમલવામાં આવવાની સાથે સાથે દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક બન્યો અને તેને કારણે તા.26મી જાન્યુ.ને દર વર્ષે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જોકે, સને 1929માં એવી ઘટના પણ બની હતી કે જ્યારે અંગ્રેજો સમક્ષ તા.26મી જાન્યુ.એ ભારતને સ્વતંત્ર જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. સને 1929માં તા.31મી ડિસે.,ના રોજ લાહોર ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસભા મળી હતી. આ મહાસભામાં ભારતને અંગ્રેજો આઝાદ કરે તેવી પ્રબળ માંગણી ઉઠી હતી.
મહાસભા દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવાની સાથે સ્વતંત્ર ભારતની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા સાથે જવાહરલાલ નહેરૂએ રાવી નદીના કિનારે ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રીય મહાસભાના કાર્યકરો, રાષ્ટ્રવાદીઓ તેમજ નાગરિકોએ પણ સાથે સાથે ભારતનો ધ્વજ ફરકાવી ભારતને તા.26મી જાન્યુ.., 1930ના રોજ સ્વતંત્ર જાહેર કરવા માટે અંગ્રેજો સમક્ષ માંગ કરી હતી પરંતુ તે સમયે અંગ્રેજ સરકારે આ માંગણી માની નહોતી. ખરેખર અંગ્રેજોએ એ સમયે આ માંગ માની લીધી હોત તો સંભવ છે કે આપણે તા.15મી ઓગષ્ટને બદલે તા.26મી જાન્યુ.ને જ સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવતા હોત.
ભારત પ્રજાસત્તાક જાહેર થઈ ગયું પરંતુ આજે પણ દેશની હાલત એવી છે કે ખરેખર તે પ્રજાસત્તાક નથી. દેશના શાસકો પોતાની જવાબદારીઓ સમજતા નથી. જેને કારણે અન્યાય, ભ્રષ્ટાચાર પ્રબળ થઈ રહ્યો છે. બીજી તરફ નાગરિકો પણ પોતાની ફરજ સમજતા નથી અને તેને કારણે દેશમાં જેના હાથમાં તેના નસીબમાં તેવો ખેલ ચાલી રહ્યો છે. ભારતને ખરેખર પ્રજાસત્તાક બનાવવો હોય તો દેશના શાસકો અને નાગરિકો, બંનેએ પોતાની ફરજો સમજવી પડશે. તો જ દેશ પ્રગતિ કરી શકશે તે
નક્કી છે.