માંસાહારીઓના માથે મોટી આફત
કોરોનાનો કહેર ઓછો હોય તેમ વિશ્વમાં ‘બર્ડ ફ્લુ’ (BIRD FLU) એટલે કે એવિયન ઈનફ્લુએન્ઝાએ પગપેસારો કર્યો છે. શહેરોમાં પક્ષીઓ અને એનાથી અસર પામેલ પ્રાણીઓ ટપોટપ મરવા માંડ્યાં છે. આવા સંજોગોમાં લોકોએ પોતાનાં સ્વાસ્થ્યની રક્ષા માટે ચિકન અને ઈંડાં ખાવા બંધ કર્યાં છે. હાર્ડકોર ચિકન લવર્સ (CHICKEN LOVERS)માં ભયંકર ભય અને ફફડાટનું વાતાવરણ બની રહ્યું છે. ઈંડાં ખાનારાઓએ પણ ઈંડાં ખાવા પર બ્રેક લગાવી દીધી છે. રોજ પેશન્ટોના એ પૃચ્છા કરવા ફોન આવે કે “ચિકન ખવાય કે નહિ?” તો આવો, આ ‘બર્ડ ફ્લુ’ વિશે માહિતી મેળવીએ. એમાં ચિકન ખવાય કે કેમ અને ન ખવાય તો તેના બદલે શું ખાવું જેથી પ્રોટિનની જરૂરિયાત પૂરી થઈ શકે તે જાણીએ.
બર્ડ ફ્લુ એટલે શું અને એ ક્યાંથી આવ્યો?
બર્ડ ફ્લુ એ પક્ષીઓમાં થતો વાઇરસ દ્વારા ફેલાતો ‘એવિયન ઈનફ્લુએન્ઝા’નો રોગ. જે પક્ષીઓ દ્વારા અન્ય પ્રાણીઓ અને મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. સૌ પ્રથમ વાર આ રોગ પક્ષીઓમાં હોંગકોંગમાં જોવા મળ્યો. WHO અનુસાર 1997માં સૌ પ્રથમ આ પક્ષીઓને થતો ફ્લુ મનુષ્યોમાં ફેલાઈ શકે છે અને તે ઘાતક પણ સાબિત થઈ શકે છે તે પુરવાર થયું. એવું કહેવાય છે કે શિયાળામાં અન્ય દેશોમાંથી ખૂબ લાંબી ઉડાન ભરી આપણા દેશમાં આવતાં પ્રવાસી પક્ષીઓ દ્વારા આ રોગ ભારતના પક્ષીઓમાં ફેલાય છે અને આવાં ફ્લુપીડિત પક્ષીઓના સંસર્ગમાં આવનાર વ્યક્તિઓમાં પણ આ રોગ ફેલાય છે પરંતુ એક માનવમાંથી બીજા માનવમાં આ ફ્લુ ફેલાવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી.
બર્ડ ફ્લુનાં લક્ષણો
- કફ
- ડાયેરિયા
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
- તાવ ( ૧૦૦° ની ઉપર ઉષ્ણતામાન)
- સ્નાયુઓમાં દુખાવો
- ગળતું નાક
બર્ડ ફ્લુ કોને થઈ શકે ?
- પોલ્ટ્રી ફાર્મ ( મરઘાં ઉછેર કેન્દ્ર ) સાથે સંકળાયેલી વ્યક્તિઓ
- ફ્લુ થયેલ હોય એવાં પક્ષીઓના સંસર્ગમાં આવનાર પ્રવાસીઓ.
- ઈંડાં અને ચિકન રાંધ્યા વગર ખાતી વ્યક્તિઓ
- ફ્લુ થયો હોય તેવાં પક્ષીઓની લાળ અને વિષ્ટા(ચરક) માંથી સતત ૧૦ દિવસ સુધી પક્ષીઓ ફ્લુના વાઇરસનું ઉત્સર્જન કરતાં રહે છે. આ વિષ્ટા અને લાળના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિને બર્ડ ફ્લુ થવાની સંભાવના રહે છે.
બર્ડ ફ્લુ ક્યારે ગંભીર રૂપ ધારણ કરે?
- જ્યારે સમયસર સારવાર ન મળે અને ઇન્ફેક્શન કાબૂ બહારનું થઈ જાય.
- જ્યારે ફ્લુને લીધે ફેફસાંમાં ન્યૂમોનિયા થઈ જાય.
- જ્યારે શરીરની અંદરનાં અંગો ફેઇલ થવા માંડે ( મલટીપલ ઓર્ગન ફેલિયર)
બર્ડ ફ્લુથી માંસાહારીઓ કઈ રીતે બચી શકે?
- જો યોગ્ય રીતે સ્વચ્છ વાતાવરણમાં રાંધેલ ઈંડાં અને ચિકન ખાવામાં આવે તો.
- જો ચિકન અને ઈંડાં સ્વચ્છ બજારમાંથી લાવવામાં આવે તો.
- જો ચિકનના માંસનું અંદરનું તાપમાન ૧૬૫° ફેરનહીટ થાય ત્યાં સુધી તેને પકવવામાં આવે તો તે સામાન્ય રીતે ભોજન માટે સુરક્ષિત ગણાય છે. આથી યોગ્ય રીતે અને લાંબા સમય સુધી રાંધેલ ચિકન કે ઈંડાં ખાવાથી બર્ડ ફ્લુ થવાની સંભાવના ઘટી જાય છે.