વૉશિંગ્ટન, તા. ૧૨: બિડેન વહીવટીતંત્રે આજે એક વિધિવત જાહેરનામુ બહાર પાડીને એચ-વનબી વિઝા પર આવેલા વિદેશી કામદારો માટેના ફરજિયાત લઘુતમ વેતન માટેના અગાઉના ટ્રમ્પ પ્રશાસનના વિવાદાસ્પદ નિયમને લાગુ પાડવાનું વિલંબિત કર્યું છે.
ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે આજે પ્રકાશિત થયેલા પોતાના ફેડરલ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આ નિયમ અંગે આ ડિપાર્ટમેન્ટ જાહેર જનતાને અભિપ્રાયો રજૂ કરવાની તક આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ-૧બી વિઝા પર અમેરિકા આવતા કામદારોને લઘુતમ વેતન ફરજિયાતપણે ચુકવવા માટેનો નિયમ જાહેર કર્યો હતો, જે માટે તેણે એવું કારણ આપ્યુ઼ં હતું કે આનાથી અમેરિકન કામદારોનું હિત જળવાશે અને કુશળતાયુક્ત વિદેશી કામદારોને પણ યોગ્ય વેતન મળી રહેશે. જો કે પહેલી ફેબ્રુઆરીએ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા આ ફાઇનલ નિયમના અમલીકરણને વિલંબમાં મૂકવા માટેની દરખાસ્ત મૂકી હતી. આ નિયમના અમલી કરણની તારીખે ૧૪ મે ઠરાવવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના એચ-૧બી વિઝા એ વર્ક વિઝા છે જેના પર અમેરિકન કંપનીઓ વિદેશોમાંથી કુશળતાયુક્ત કામદારોને બોલાવીને નોકરીએ રાખે છે. ભારતીય આઇટી વ્યવસાયિકો મોટા પ્રમાણમાં આ વિઝાના લાભાર્થીઓ છે. જો કે આ વિઝાના ટીકાકારો કહેતા આવ્યા છે કે અમેરિકન કંપનીઓ તેનો ઘણો દુરુપયોગ કરે છે અને અમેરિકન કામદારોના ભોગે વિદેશોમાંથી સસ્તા પગારે કામદારોને બોલાવીને નોકરીએ રાખે છે.