નવી દિલ્હી: જ્ઞાનવાપી(Gyanvapi) કેસ(Case)માં આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી(Hearing) હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેન્ચે હવે આ મામલો વારાણસી(Varanasi)ના જિલ્લા ન્યાયાધીશને મોકલી આપ્યો છે. હવે સમગ્ર મામલો જિલ્લા કોર્ટમાં જ જશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. તેમજ સુપ્રીમ કોર્ટે ગુરુવારે વારાણસી કોર્ટની કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી હતી.
અમે ટ્રાયલ કોર્ટને કામ કરતા અટકાવી શકીએ નહીં: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ટ્રાયલ કોર્ટને ચાલતા રોકી શકીએ નહીં. શાંતિ જાળવવા માટે બંધારણમાં એક માળખું બનાવવામાં આવ્યું છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે નીચલી કોર્ટને નિર્દેશ આપવાને બદલે આપણે સંતુલન જાળવવું જોઈએ. જ્યારે અહમદીએ પૂજા સ્થળ કાયદા પર ચર્ચા શરૂ કરી તો જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આ તમારો બીજો દૃષ્ટિકોણ છે. અમે ઓર્ડર 7ના નિયમ 11 ના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. કોર્ટે કહ્યું કે મસ્જિદની અંદર પૂજાની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ દ્વારા થવી જોઈએ. જિલ્લા ન્યાયાધીશ મસ્જિદ સમિતિની અરજી પર નિર્ણય કરશે કે શું હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરાયેલો આ કેસ ચલાવી શકાય તેમ છે. ત્યાં સુધી વચગાળાનો આદેશ- ‘શિવલિંગ વિસ્તારની સુરક્ષા, નમાઝ માટે મુસ્લિમોનો પ્રવેશ’ ચાલુ રહેશે.
કમિશનનો રિપોર્ટ લીક થવા પર સુપ્રીમ કોર્ટ નારાજ
કમિશનનો રિપોર્ટ લીક થવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે કમિશનનો રિપોર્ટ લીક ન થવો જોઈએ અને માત્ર જજ સમક્ષ રજૂ થવો જોઈએ. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે મીડિયામાં લીક થવાનું બંધ થવું જોઈએ. રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હતો. કોર્ટે તેને ખોલવી જોઈતી હતી. આપણે જમીન પર સંતુલન અને શાંતિની ભાવના જાળવી રાખવાની જરૂર છે. એક પ્રકારનો હીલિંગ સ્પર્શ જરૂરી છે. અમે દેશમાં સંતુલનની ભાવના જાળવવા માટે સંયુક્ત મિશન પર છીએ.
ડીએમને વુઝૂ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કહેશેઃ જસ્ટિસ ચંદ્રચુડ
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ અહમદીએ કહ્યું કે અમને મસ્જિદમાં વુઝૂ કરવાની મંજૂરી નથી. જ્યાં વુઝૂ કરવામાં આવે છે તે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેના પર જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે અમે જિલ્લા મેજિસ્ટ્રેટને વૈકલ્પિક વ્યવસ્થા કરવા કહીશું. જયારે સોલિસિટર જનરલે કહ્યું કે આ માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સમાજના વિવિધ વર્ગોમાં શાંતિ આપણા માટે સર્વોપરી છેઃ જસ્ટિસ ચંદ્રચુડ
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે સમાજના વિવિધ સમુદાયો વચ્ચે ભાઈચારો અને શાંતિ આપણા માટે સૌથી ઉપર છે. અમારો વચગાળાનો આદેશ ચાલુ રહી શકે છે. સર્વત્ર શાંતિ રહેશે. પહેલા ટ્રાયલ કોર્ટને અપીલ, મુસ્લિમ પક્ષની અરજી અને 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટના ઉલ્લંઘનની અરજી પર સુનાવણી કરવા દો.