National

જ્ઞાનવાપી: પ્રાચીન મૂર્તિઓના પુરાવા મળ્યા બાદ 30 વર્ષ પછી રાત્રે 2 વાગે પૂજા થઈ, વીડિયો

નવી દિલ્હી: વારાણસી કોર્ટે (Varanasi Court) હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. 31 વર્ષથી વ્યાસજીના ભોંયરામાં પૂજા (Pooja) થતી ન હતી. આ કેસના વાદી શૈલેન્દ્ર કુમાર પાઠક વ્યાસ દાવો કર્યો હતો કે તેમની ઘણી પેઢીઓએ ભોંયરામાં પૂજા કરી છે. તેમજ 1993 સુધી તેઓ તેમના આ વારસાના (Inheritance) કારણે ભોંયરામાં સ્થિત દેવતાઓની (Deity) મૂર્તિઓની પૂજા કરતા હતા.

જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યા બાદ અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાત્રે બે વાગ્યે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સાથે લગભગ 30 વર્ષ બાદ જ્ઞાનવાપીના ભોંયરામાં આરતી કરવામાં આવી હતી. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે પૂજા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો અને ડીએમને 7 દિવસમાં પૂજા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જણાવી દઇયે 1993થી અહીં પૂજા બંધ થઈ ગઈ હતી. કોર્ટના નિર્ણય બાદ તરત જ વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું હતું અને આખી રાત બેઠકો યોજી હતી. બાદમાં કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજાની ખાતરી કરવામાં આવી હતી.

વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રશાસનને 7 દિવસમાં પૂજાની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ જ પ્રશાસને રાત્રે લગભગ 12.30 વાગ્યા સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો અને વ્યાસજીનું ભોંયરું ખોલ્યું હતું અને લગભગ 2 વાગ્યે પૂજા શરૂ કરાવી હતી. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ભગવાન શિવ સહિત આઠ દેવતાઓની પૂજા જોવા મળી રહી છે.

આ મામલે હિંદુ પક્ષનો દાવો છે કે નવેમ્બર 1993 પહેલા તત્કાલીન રાજ્ય સરકારે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનું બંધ કરી દીધું હતું. જેને ફરી શરૂ કરવાનો અધિકાર મળવો જોઈએ. આ સાથે જ મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શીપ એક્ટને ટાંકીને અરજીને બરતરફ કરવાની માંગ કરી હતી.

ત્યાર બાદ ઓગસ્ટ 2021માં પાંચ મહિલાઓએ વારાણસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) સમક્ષ દાવો દાખલ કર્યો હતો. જેમાં તેણે જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં રોજની પૂજા અને દર્શનની પરવાનગી માંગી હતી. મહિલાઓની અરજી પર ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે મસ્જિદ પરિસરનો એડવોકેટ સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

ગત વર્ષે કોર્ટના આદેશ પર ત્રણ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં શિવલિંગ મળી આવ્યું છે. દાવો હતો કે મસ્જિદના બાથરૂમમાં શિવલિંગ છે. જો કે, મુસ્લિમ પક્ષે કહ્યું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે જે દરેક મસ્જિદમાં છે.

Most Popular

To Top