છેલ્લા બે-અઢી દાયકાથી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવાના સમાચાર આવતા હતા અને અંગ્રેજી માધ્યમની શાળાઓ મશરૂમની જેમ ખૂલી જતી જોતા હતા કેમ કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી JEE, NEET, CAT કે અન્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રવેશપરીક્ષામાં ઉમદા દેખાવ કરી ન શકતા હતા, કયાંક પાછળ રહી જવાનો અહેસાસ થતો હતો અને દરેકે દરેક વાલી- મારી કામવાળીના છોકરા પણ- અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ લઇને આર્થિક તેમ જ અન્ય ભાષામાં ભણવાની અને ભણાવવાની જે મનોસામાજિક તાણ અનુભવાય તેની સાથે પણ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ વધતો જ ચાલ્યો જ છે.
સાથે જ NEP-2020માં ‘માતૃભાષામાં શિક્ષણ-પાયાનું શિક્ષણ બાળકને મળવાથી એનો માનસિક તેમજ શૈક્ષણિક વિકાસ વધુ થાય છે’ની માન્યતાને ભાર આપવામાં આવ્યો છે અને જયારે એન્જિનિયરીંગ જેવા અઘરા વિષયનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં શરૂ કરવાનો GTU અને સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે રાજયના પાયલટ પ્રોજેકટ તરીકે 2016માં સુરતની ગુજરાતી માધ્યમની શાળાઓ- મુખ્ય શાળાઓને – જેમાં ભૂલકાવિહાર, ભૂલકાભવન, સંસ્કારભારતી, વનિતા વિશ્રામ, જીવનભારતી તથા શારદાયતન- ‘ગુજલીશ’ એટલે કે જેમાં ગુજરાતી અને ઇંગ્લીશના કોમ્બિનેશનવાળું શિક્ષણ અપાય રહ્યું છે તેના વિદ્યાર્થી આ વર્ષે ધો. 10ની પરીક્ષા આપવાના છે.
જેમાં ધો.9માં અંગ્રેજી માધ્યમના NCERTનાં પુસ્તકો ભણાવવાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે. આ જ પ્રોજેકટ ધોરણ 3ના વિદ્યાર્થીઓ માટે પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં દ્વિભાષી પુસ્તકો- ગણિત, પર્યાવરણ અને વિજ્ઞાનના વિષયમાં તૈયાર કરાવી પ્રોજેકટનો અમલ કરાય છે. આ ત્રણ વિષય સિવાય અન્ય વિષયો ગુજરાતી ભાષામાં જ રહે છે. ઉપરોકત ત્રણે વિષયમાં બેઝિક ટર્મીનોલોજી, મુખ્ય ફન્ડામેન્ટલ્સની વિભાવનાઓ અંગ્રેજી ભાષામાં શિખવાડવામાં આવે છે જેથી વિદ્યાર્થી ધો. 10 સુધી મુખ્ય વિષયને અંગ્રેજી ભાષામાં સમજીને એમાં એની હથોટી જમાવી શકે તો આગળ જતાં પ્રવેશપરીક્ષાઓમાં રાષ્ટ્રીય સ્તરે સારો સ્કોર લાવી શકે. સાથે જ અંગ્રેજી ભાષા બોલવામાં, લખવામાં પણ કુશળતા કેળવી શકે. આમ આપણું ગુજરાત રાજય શિક્ષણના ત્રીજા વૈકલ્પિક માધ્યમનો અમલ કરનાર પ્રથમ રાજય બન્યું છે અને સુરત પ્રથમ શહેર બનવા જઇ રહ્યું છે. ત્યારે નવા શૈક્ષિણક વર્ષથી વાલીઓને અંગ્રેજી/ગુજરાતી (કોઇ પણ વર્નાકયુલર ભાષા) સાથે ગુજલીશ ત્રીજી ભાષાનો વિકલ્પ મળવાનો છે ત્યારે થોડું વાલી-વિદ્યાર્થી તરફથી થયેલા પ્રતિભાવોનું પૃથક્કરણ:
વિદ્યાર્થીઓને શરૂઆતમાં અઘરું લાગ્યું કેમ કે એમની શાળાના શિક્ષકો જેમણે ગુજરાતીમાં ભણાવવાની કુશળતા કેળવી હોય તેમણે પણ દ્વિભાષામાં- અંગ્રેજી ભાષામાં ટર્મીનોલોજી સમજી, રોજ-બરોજના શિક્ષણકાર્યમાં ઉપયોગ કરવાનો છે જેથી વિદ્યાર્થીને વિષયવસ્તુ તો સમજ પડે પણ વધુ જાણવાનો ઉત્સાહ પણ ઉત્પન્ન થાય અને શિક્ષણકાર્ય જે દ્વિભાષી છે બોરીંગ ન લાગે. ભારરૂપ ન લાગે. છે વાલીઓ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ટયુશને મોકલતા હોય છે ત્યારે ટયુશન શિક્ષક માટે પણ દ્વિભાષામાં ગણિત-વિજ્ઞાનના વિષયો કરાવવાના અઘરા લાગે છે. # પાયલોટ પ્રોજેકટ હોવાથી કોઇ રેડીમેડ ગાઇડ કે અન્ય મટીરિયલ મળી ન રહે માટે વાલી-વિદ્યાર્થીની મુશ્કેલીઓ વધે કેમ કે આમાં તો શિક્ષણકાર્યમાં કુશળતા માટે બંને ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી હોવાથી વાલી માટે પણ વિવિધ પડકારો ઊભા થયા. ટયુશન શિક્ષકને પણ બંને ભાષા આવડવી જરૂરી નહીં તો ગોખાપટ્ટીથી મેળવેલા માર્કસ વિદ્યાર્થીનો માનસિક શૈક્ષણિક વિકાસ અટકાવી દે.
મુશ્કેલીઓનો અનુભવ નવા આયામ ઉઘાડી આપે તેમ વાલીઓએ પણ બે વિષય માટે અલગ ટયુશન શિક્ષક-વ્યવસ્થા કરી સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કર્યો. સાથે જ વાલી-વિદ્યાર્થીનું કહેવું છે ધીરે ધીરે વિદ્યાર્થી, શાળા, શિક્ષણ બધું જ ગોઠવાઈ ગયું અને આજે ગણિત અને વિજ્ઞાનના વિષયમાં અંગ્રેજી ભાષામાં સમજણ કેળવવાથી, લખવાની કુશળતા કેળવવાથી હવે પછીના NEET, JEE કે અન્ય પરીક્ષાઓમાં એમનાં સંતાનો બીજા સાથે હરીફાઇમાં ઊંચો સ્કોર લાવીને સારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવાનાં સ્વપ્નો જોઇ, સાકાર કરી શકે છે. એમને સારા ભવિષ્ય તરફ આગળ વધવાનો ઉત્સાહ દેખાય છે. પરીક્ષાઓનો ડર ઓછો થયો છે.
ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ બંને ભાષા પર પ્રભુત્વના લીધે જેતે વિષયનો ઊંડો અભ્યાસ કરવા પ્રેરાશે, સરળતા લાગશે સાથે જ વ્યવસાય, નોકરીમાં પણ પ્રત્યાયન Communicationમાં વધુ અસરકારક પુરવાર થશે એમાં કોઇ બે મત નથી. મનોવૈજ્ઞાનિકોના મતાનુસાર પ્રાથમિક વર્ષો દરમ્યાને કોઇ પણ બાળક એક કરતાં વધુ ભાષા પર પ્રભુત્વ મેળવી શકતું હોય છે. language Development- ભાષાનું શબ્દભંડોળ વધુ અસરકારક રીતે થઇ શકતું હોય છે માટે દ્વિભાષી શિક્ષણ માધ્યમથી લાંબેગાળે ફાયદા વધુ જોવા મળશે.
સરકારે પરિપત્ર જારી કરી દ્વિભાષી શાળાઓ શરૂ કરવા કહ્યું છે ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં ગુજરાતી માધ્યમમાં ભણાવવા માંગતા વાલીઓ પોતાની રીતે ચિંતન કરી, નિર્ણય લેશે તો વિદ્યાર્થીઓનો રસ જળવાઈ રહેશે. વધુ કુશળતા કેળવશે. વૈશ્વિક સ્તરે વધુ કાબેલ બનશે, અંગ્રેજી ભાષાનો ડર નીકળી જશે, એક આત્મવિશ્વાસ સાથે કારકિર્દીના પંથે કદમ મીલાવશે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ પણ કોઇના નકારાત્મક અનુભવને જ માત્ર ધ્યાનમાં ન રાખતા, હકીકત તપાસી, આવતા વિવિધ પડકારોનો સામનો કરવા સજ્જ થઇ દ્વિભાષી વિકલ્પ તરફ આગળ વધવાનો નિર્ણય લેશો તો ભણવાની જવાબદારી ભારરૂપ ન લાગશે બલકે તમારો ઉત્સાહ ટકાવી તમારો વિકાસ સાધવામાં મદદરૂપ થશે. ‘One language sets you in a corridor for life. Two languages open every door along the way.’ – Frank smith.