સુરત: ગુરૂપૂર્ણિમા (Gurupurnima) એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વ્યાસજીનો જન્મ દિવસ (Birthday). ગુરુમાં ગુ નો અર્થ “અંધકાર” અને રુ નો અર્થ “પ્રકાશ” થાય છે. તો જે અંધકારમાં પ્રકાશનો દીવો પ્રગટાવે છે. કૃષ્ણ દેવાયન વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા. ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) તરીકે ઉજવે છે. ગુરુ વિના કોઈપણ દિશામાં સિદ્ધિ પ્રાપ્ત કરવી અશક્ય છે.
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર , માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સુરતમાં બુધવારે અષાઢ સુદ પુનમ નિમિતે ગુરૂપૂર્ણિમા હોય, શહેરના જુદા જુદા મંદિરો તેમજ આશ્રમોમાં ગૂરૂપૂજન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂપૂર્ણિમા નિમિત્તે રાંદેર રોડ રામનગર ખાતે આવેલા ગુરુદેવ અવધૂત આશ્રમમાં બુધવાર તા. 13મી જુલાઈના દિવસે ગુરુદેવ અવધૂત શિરોમણી સમર્થ ગજાનન મહારાજનો મહામંગલાભિષેક, ગુરુપાદુકા પૂજન તથા બ્રહ્માવધૂત પૂજ્ય વિશ્વનાથ બાપજીની પાદુકાનું પૂજન સાંજે 4 કલાક 5 મિનિટથી ગુરૂપૂર્ણિમાનો કાર્યારંભ થશે, સાથે આરતી, પૂજન, પ્રસાદ અને ગુરૂપૂર્ણિમા ઉત્સવની પૂર્ણતા કરાશે. કાર્યક્રમમાં કોરોના વાયરસ અંગે કેન્દ્ર રાજ્ય સરકારની ગાઇડ લાઇનનું પાલન દરેક ભક્તે ચુસ્તપણે કરવાનું રહેશે, તેમ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત ઉમરા કરૂણાસાગર ટ્રસ્ટ દ્વારા ભગવાન કરૂણાસાગર મંદિર ખાતે પાદુકા પૂજન સહીતના કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે પાંચ વાગ્યાથી બપોરે ત્રણ કલાક સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જ્યારે સદગૂરૂ સતસંગ મંડળ દ્વારા રૂઘનાથપુરા સ્થિત સુરતી મોઢ ઘાંચી જ્ઞાતિની વાડીમાં પી.આર.ખાટીવાળા સંકુલ ખાતે સવારે નવ વાગ્યાથી વિવિધ કાર્યક્રમો શરૂ થશે જેમાં જયાબેનના સાનિધ્યમાં મા પાદુકા પૂજન, ભજન, ધુન, મહાપ્રસાદ વગેરેનું આયોજન કરાવામાં આવ્યું છે.