સુરત: માજી મ્યુનિસિપલ કમિશનર (former municipal commissioner), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માજી ચેરમેન (airport authority chairman) અને વર્તમાન કેન્દ્રીય કોમર્સ સેક્રેટરી ગુરૂપ્રસાદ મહાપાત્રા (Guruprasad mohapatra)નું દિલ્હી એમ્સમાં કોરોનાની દોઢ માસની લાંબી સારવાર પછી નિધન થયું હતું.
સુરતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાલિકાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં મહાપાત્રનો મોટો ફાળો હતો. એટલો જ મોટો ફાળો તેઓ જ્યારે મોદી સરકારમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન બન્યા ત્યારે સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે આપ્યો હતો. અત્યારે 353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટને ઇન્ટરનેશન એરપોર્ટ તરીકે વિકસાવવા માટે પેરેલલ ટેક્સી વે, એપ્રન અને ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે.
આ પ્રોજેક્ટ પણ મહાપાત્રને આભારી છે. તેમના પ્રયાસો થકી જ સુરત એરપોર્ટને કાર્ગો ટર્મિનલ ટૂંકા સમયગાળામાં મળી શક્યું હતું. સુરતમાં 22-6-1999માં મ્યુનિસિપલ કમિશન તરીકે મહાપાત્રની નિમણુંક થઈ હતી. તેઓ 22-04-2002 સુધી મ્યુનિ.કમિ. તરીકે રહ્યા હતાં. સુરતમાં તેમના સમયમાં ખૂબ ડિમોલિશન કરાયા હતાં પરંતુ કતારગામ દરવાજા ખાતે ગેરકાયદે બાંધકામ તોડવા જતાં માથાભારે તત્વો દ્વારા તેમની પર હુમલો કરાયો હતો ત્યારે મહાપાત્રએ ભાગવું પડ્યું હતું. જોકે, બાદમાં આ તત્વોની પાસામાં અટકાયત કરાઈ હતી
સુરત મહાનગર પાલિકાને દેવામુક્ત બનાવવામાં મહાપાત્રનું મોટુ યોગદાન હતુ
મહાપાત્ર સુરતમાં મ્યુનિસિપલ કમિશનર હતા તે દરમિયાનમાં તેમણે સુરતની સુંદરતા વધારવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા હતા. સુરતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં તેમનો ફાળો રહ્યો હતો. સુરત કોર્પોરેશનના નાણાકીય વહિવટને પણ તેમણે મજબૂત બનાવ્યો હતો. તેમના સમયમાં જ પાણીની ટર્બિડિટી અને જીવાતની સમસ્યા ઊભી થઈ હતી પરંતુ તેમાં તેમણે મનપાની ટાંકીઓની સફાઈ કરાવી અને જીવાતો એક અઠવાડિયામાં દૂર કરાવી હતી. આ ઉપરાંત સુરત મહાપાલિકા પર 160 કરોડનું દેવું હતું તે બેંકમાં જમા ડિપોઝિટની સામે સરભર કરવાની તેમણે તૈયારી બતાવી હતી. આજે પણ સુરત મહાપાલિકા દેવામુક્ત છે.
એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે 2018માં મહાપાત્રએ સુરતમાં બીજુ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
મહાપાત્ર સુરતના મ્યુનિસિપલ કમિશનરનો અનુભવ લઇને કેન્દ્ર સરકારમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન બન્યા ત્યારે મોટા વિમાનમાં લેન્ડિંગ માટે આડેધડ બની ગયેલી બિલ્ડિંગનો પ્રશ્ન તેમની પાસે આવ્યો હતો. તે સમયે તેમણે ખાસ રસ લઇને 2035ની સુરતની જરૂરિયાતને કેન્દ્રમાં રાખી ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સુરતના હયાત એરપોર્ટને યથાવત રાખી બીજું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવા રાજ્ય સરકારને જમીન ફાળવવા જણાવ્યું હતું.
તે સમયે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે જે.એન સિંહ અને કલેક્ટર તરીકે મહેન્દ્ર પટેલ હતા. મહાપાત્રના આદેશને પગલે કલેકટર મહેન્દ્ર પટેલે સુરત જિલ્લામાં 3 જમીનોના લોકેશન પણ તે પછીની બેઠકમાં સૂચવ્યા હતાં.