SURAT

લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં ગોળીબારથી ફફડાટ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. Suratના લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પોલીસ ચોકી નજીક આવેલી ગલીમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરતા ખુશીના માહોલમાં અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, લીંબાયત વિસ્તારમાં એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત-સંગીત અને નાચગાન વચ્ચે અચાનક ગોળીબારના અવાજો સંભળાતા જ હાજર મહેમાનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લગ્નના મંડપ પાસે ઉભેલા પિન્ટુ નામના યુવકને નિશાન બનાવી હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.ગોળી તેના પગના ભાગે વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

પરિવારજનો અને સ્થાનિક લોકોએ તરત જ ઈજાગ્રસ્ત યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે. હાલ યુવકની સ્થિતિ સ્થિર હોવાનું તબીબી સૂત્રો જણાવી રહ્યા છે.ઘટનાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે હુમલો શાંતિનગર પોલીસ ચોકીની બિલકુલ બાજુમાં થયો છે. પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરો નિર્ભય બની ગોળીબાર કરી ફરાર થઈ જતા કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે પણ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કર્યા હતા. આસપાસના CCTV કેમેરાની તપાસ હાથ ધરાઈ, અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ વ્યાપી ગયો છે જે બાદ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

Most Popular

To Top