નવી દિલ્હી: ચક્રવાત ગુલાબ (Cyclone Gilab) આંધ્રપ્રદેશ (Andhra pradesh) અને ઓડિશા (Odisha)ના દરિયાકાંઠા (Sea shore)ના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. એમ હવામાન કચેરીએ સાંજે ટ્વિટ કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે, ચક્રવાત આગામી ત્રણ કલાકમાં આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. ત્યારબાદ આ વાવાઝોડુ ઓડિશાના અંદરના વિસ્તારો તરફ આગળ વધશે.
આ વાવાઝોડું સાંજના સુમારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકયું તે પછી અનેક વિસ્તારોમાં સખત પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો હતો અને હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આ પવનોની (windy) ઝડપ કલાકના 90થી 100કિમી સુધી પહોંચવાનો અંદાજ મૂક્યો હતો. હવામાન વિભાગે ટ્વિટ કર્યું કે, વાદળોનો સમૂહ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી ગયો છે અને આ રીતે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને નજીકના દક્ષિણ તટીય ઓડિશામાં લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સિસ્ટમ આગામી ત્રણ કલાકમાં કલિંગપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે કલિંગપટ્ટનમથી આશરે 25 કિલોમીટર ઉત્તરમાં દરિયા કિનારો પાર કરશે.
ચક્રવાત ગુલાબ મે મહિનામાં આવેલ ચક્રવાત યાસ બાદ ચાર મહિનામાં ઓડિશાથી ટકરાનાર બીજું ચક્રવાત છે. આ અંગે મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું હતું કે, સાત ઉચ્ચ જોખમ ધરાવતા જિલ્લાઓ – ગંજામ, ગજપતિ, કંધમાલ, કોરાપુટ, રાયગાડા, નબરંગપુર અને મલકાનગિરીમાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને કોઈ જાનહાનિ ન થાય તે માટે પ્રયાસો ચાલુ છે. આ વાવાઝોડાને કારણે જાનહાનિ કે ઇજાના આજે રાત્રિ સુધીમાં કોઇ અહેવાલ ન હતા, પરંતુ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના પાંચ માછીમારો લાપતા બન્યા હોવાના અહેવાલ હતા જેમાંથી બે માછીમારોના મોત થયા હોવાના અહેવાલ મોડી રાત્રે આવ્યા હતા. આ માછીમારો પરત ફરી રહ્યા હતા ત્યારે મંડાસા કાંઠા નજીક તેમની હોડી ઉંધી વળી ગઇ હતી. બે માછીમારો પરત આવી ગયા છે જ્યારે એક હજી લાપતા છે એમ અહેવાલો જણાવતા હતા. શ્રીકાકુલમના કલેક્ટર સુમિત કુમારે જણાવ્યું હતું કે, આગામી બે કલાક નિર્ણાયક છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે, 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની 4 ટીમો અહીં આવી ગઈ છે. ભારે વરસાદના કારણે પૂર આવવાની શક્યતા છે. તેમજ જિલ્લાના 19 મંડળો પુરગ્રસ્ત છે જે બીજો પડકાર છે.
ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ઓછામાં ઓછી 42 ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 24 ટુકડીઓ, અગ્નિશામક દળોની 100થી વધુ ટીમોને આ સ્થળોએ મોકલવામાં આવી છે. સ્પેશિયલ એડિશનલ રિલીફ કમિશનર પી કે જેનાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ લોકોને રવિવારે સાંજથી સોમવારે સવારે 10 વાગ્યા સુધી ઘરની અંદર રહેવા નિર્દેશ આપ્યો છે, તે દરમિયાન ચક્રવાત આ પ્રદેશમાંથી પસાર થશે. આગામી ત્રણ દિવસમાં દરિયાની સ્થિતિ ખૂબ જ તોફાની બની જશે અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના માછીમારોને પૂર્વ-મધ્ય અને નજીકના ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ન જવા કહેવામાં આવ્યું છે.