ગાંધીનગર : રાજ્યમાં ગુજકેટ-2026 પરીક્ષા 29 માર્ચ 2026ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આવતીકાલ તા. 17મી માર્ચના રોજ બપોરે 12 વાગ્યા પછી ઓનલાઈન બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
બોર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજકેટ-2026ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ- હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી આવતીકાલ 17મી માર્ચ 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-2026માં ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલા મોબાઈલ નંબર, અથવા ઈમેલ આઇડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ- હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ પોતાના ઇન્ડેક્સ નંબર તથા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર લોગીન કરી પોતાની શાળાના ગુજકેટ 2026 માટેના ઉમેદવારોના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકાશે. આ હોલ ટિકિટ ઉપર શાળાના આચાર્યના સહી સિક્કો કરવાની જરૂર નથી.
ગુજકેટ 2026 પરીક્ષાના ઉમેદવારોએ એડમિશન કાર્ડ હોલ ટિકિટની સાથે એક ફોટો આઈડી પ્રુફ જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ 12ની પરીક્ષાની ઓરીજનલ હોલ ટિકિટ સાથે લઈ જવાની રહેશે.
ગુજકેટ-2026 પરીક્ષા 29 માર્ચે લેવાશે. પ્રથમ પેપર ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું રહેશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સવારે 9.30 કલાકે પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા સવારે 10.00 કલાકે શરૂ થઈ બપોરે 12.00 કલાકે પૂર્ણ થશે.
બપોરે બાયોલોજી પેપર માટે 1.10 કલાકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, અને પરીક્ષા 1.40 કલાકે શરૂ થઈ 2.40 કલાકે પૂર્ણ થશે.
બાદમાં દિવસનું છેલ્લું પેપર ગણિતનું રહેશે. આ પેપર માટે 3.30 કલાકે પ્રવેશ આપવામાં આવશે અને પરીક્ષા સાંજે 4.00 કલાકે શરૂ થઈ 5.00 કલાકે પૂર્ણ થશે.