અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠના (Gujarat Vidhyapith) કુલપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધી (Gandhi) વિચારના કેળવણીકાર, સાહિત્યકાર અને આચાર્ય મનસુખભાઈ સલ્લાને શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર અર્પણ કર્યો હતો. પુરસ્કાર અર્પણ કરતા કહ્યું હતું કે, મનસુખભાઈ સલ્લાની સૌમ્યતા, સરળતા અને સાદગી જ દર્શાવે છે કે તેમણે ગાંધીજીના વિચારોને આત્મીયતાપૂર્વક પોતાના જીવનમાં ઉતાર્યા છે. તેમના વ્યક્તિત્વ, સાહિત્યલેખન અને કર્મયોગમાંથી પ્રેરણા લેવા અને ભવિષ્યમાં આવા પુરસ્કારો મળે એવું જીવન જીવવા તેમણે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર – 2022 અર્પણ સમારોહને સંબોધતા આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, વર્ષ 1965માં ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થયેલા શ્રી મનસુખભાઈ સલ્લાને આજે ગુજરાત વિદ્યાપીઠ આ પુરસ્કારથી સન્માનિત કરી રહી છે એ ઘટના પૂજ્ય મહાત્મા ગાંધીના વિચારો અને આ સંસ્થાના ઉદ્દેશ્યની પૂર્તિનું મોટું ઉદાહરણ છે. શ્રી મનસુખભાઈએ કેળવણી અને સાહિત્યના ક્ષેત્રે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપીને આ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. મહાત્મા ગાંધીના આત્માને શાંતિ મળે એવો આ અવસર છે.
ગાંધીબાપુના અંતેવાસી મહાદેવભાઇ દેસાઈએ સમાજસેવા, લોકસેવા અને રાષ્ટ્રસેવા માટે બાપુને જાત સમર્પિત કરી હતી. આ દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે બાપુએ શિક્ષણના માધ્યમથી ભારતીય જનમાનસમાં જીવનમૂલ્યો, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાની સ્થાપના માટે અતુલ્ય પ્રયત્નો કર્યા હતા. બાપુના વિચારોને જીવનમાં ઉતારનાર શ્રી મનસુખભાઈ સલ્લાને અનેક બહુમાનો મળ્યા છે પણ આજે માતૃસંસ્થા સન્માન કરી રહી છે તેનું મહત્વ સ:વિશેષ છે.