નવસારી : એમ તો ગુજરાતની એસટી (Gujarat’s ST) બસની સેવા સારી છે, પરંતુ અત્યારે બસમાં બેસીની નવસારી ડેપોમાં (Depo) જવું હોય તો પણ એ એક સાહસનું કામ પુરવાર થાય એમ છે. એસટી ડેપોમાં (ST DEPOT) એટલા બધા ખાડા (Pit) પડી ગયા છે કે બસમાં બેઠાં બેઠાં પણ સીધા ઓર્થોપેડિક હોસ્પિટલમાં (Hospital) જવું પડવાની નોબત મુસાફરની આવે એમ છે.
- નવસારી ડેપોમાં એટલા ખાડા પડી ગયા કે બસમાં બેસીને જવું પણ એક સાહસનું કામ પુરવાર થાય
- બસમાં બેઠાં બેઠાં સીધા ઓર્થોપેડિક હોસ્પિટલમાં જવાની નોબત મુસાફરની આવે એમ છે
- થોડા દિવસ પહેલાં માટી પુરવામાં આવતા ડેપોમાં ચાલવું પણ મુશ્કેલ થઇ ગયું, કેટલાય મુસાફરો લપસી પડ્યા
STમાં રોજના હજારો મુસાફરો નવસારીથી અપડાઉન કરે છે
નવસારી એસટી ડેપોમાં બસની અવરજવર સતત રહેતી હોય છે. લાંબા સમયથી નવસારી એસટી ડેપો નવો બની રહ્યો છે, પરંતુ તેનું કામ ઘોંચમાં પડ્યું છે, તેને કારણે અત્યારે નવસારી એસટીનું આવાગમન વર્કશોપમાં થાય છે. હજારો મુસાફરો નવસારીથી અપડાઉન કરતા હોય છે. પરંતુ એ ડેપોની હાલત એવી છે કે બસમાં બેસીને ડેપોમાં જવું પણ સાહસ પુરવાર થાય એમ છે. બસ ડેપોમાં એટલા ખાડા પડી ગયા છે કે ચંદ્રની સપાટી પણ તેની સામે સારી લાગે. અનેક ખાડા પડી ગયા છે. વળી છેલ્લા ચારેક દિવસથી વરસાદના ઝાપટાં સતત પડી રહ્યા છે, ત્યારે એ ખાડામાં પાણી ભરાયેલા રહે છે, તેને કારણે લોકોના કપડાં પણ બગડે છે. થોડા દિવસ પહેલાં માટી પુરવામાં આવી હોય એમ લાગે છે, તેને કારણે ડેપોમાં ચાલવું પણ મુશ્કેલ થઇ ગયું છે. કેટલાય મુસાફરો લપસી પણ પડે છે.
બસમાં બેઠેલા મુસાફરોનું જાણે ઘમ્મરવલોણું થઇ જાય છે
ઉપરાંત બસ આખી હાલકડોલક થતી હોય છે. ઘણી વખત તો બસ પલ્ટી તો નહીં જાયને એવી પણ બીક લાગે છે. બસમાં બેઠેલા મુસાફરોનું તો જાણે ઘમ્મરવલોણું થઇ જતું હોય એમ લાગે છે. ડ્રાઇવર ગમે એટલું સાચવે તો પણ બસ ખાડાની બહાર રહી શકે એમ નથી. મુસાફરો માટે તો બસની સેવા જોખમી બની રહી છે, તો બસ માટે પણ ડેપો જોખમી બની ગયો છે. સ્વાભાવિક છે કે ખરાબ રસ્તા હોય ત્યારે બસને નુકશાન તથા મુસાફરોને પરેશાની વેઠવી પડે એમ છે. એમ છતાં નવસારી ડેપો મેનેજરના પેટનું પાણી પણ હાલતું નથી.