ગાંધીનગર,તા.1
પીએમ નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત ફરી એકવાર દેશનું રોલ મોડેલ બન્યું છે. રાજ્યમાં MSME (લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો) ક્ષેત્રે થયેલી હરણફાળના પરિણામે ગુજરાતે દેશના સૌથી વધુ ઉદ્યમ રજીસ્ટ્રેશન ધરાવતા ટોચના ૫ રાજ્યોમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યના ૩૦ લાખથી વધુ એકમોએ સફળતાપૂર્વક નોંધણી કરાવી છે.
અમદાવાદ અને સુરત: દેશના ટોચના ૧૦ જિલ્લાઓમાં સામેલ
સમગ્ર દેશમાં સૌથી વધુ એમએસએમઈ નોંધણી ધરાવતા પ્રથમ ૧૦ જિલ્લાઓની યાદીમાં ગુજરાતના બે પ્રમુખ શહેરો અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ ગુજરાતની ઉદ્યમશીલતા અને મજબૂત વ્યાપારિક વાતાવરણની સાક્ષી પૂરે છે.
બે મહિનામાં ₹૨૩૧૦ કરોડની માતબર સહાય
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે રાજય સરકાર ઉદ્યોગોને આર્થિક બળ પૂરું પાડવા કટિબદ્ધ છે. ફેબ્રુઆરી ૨૦૨૬ બાદના ટૂંકા ગાળામાં જ સહાય ચૂકવાઈ છે.
- MSME એકમોની કુલ ૫૦૯૪ ક્લેઈમ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
- ઉદ્યોગોને કુલ ₹૨૩૧૦.૯૧ કરોડની માતબર નાણાકીય સહાય સીધી ચૂકવવામાં આવી છે.
‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-૨૦૨૨’ હેઠળ મળતા લાભો
રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે સરકાર વિવિધ પાસાઓ પર સહાય પૂરી પાડી રહી છે. - નાણાકીય ટેકો: કેપિટલ સબસિડી, વ્યાજ સહાય અને નેટ SGST રીઈમ્બર્સમેન્ટ.
- ગુણવત્તા અને ટેકનોલોજી: ક્વોલીટી સર્ટીફીકેશન (ZED), પેટન્ટ રજીસ્ટ્રેશન અને ટેક્નોલોજી એક્વીજીશન માટે મદદ.
- માળખાકીય સુવિધા: પ્લોટ-શેડ, ભાડા સહાય અને ઔદ્યોગિક પ્રદર્શનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન.
- સામાજિક સુરક્ષા: શ્રમિકો માટે EPF રીઈમ્બર્સમેન્ટની સુવિધા.
ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરફ પ્રયાણ
માત્ર નાના ઉદ્યોગો જ નહીં, પરંતુ મોટા કદના ઉદ્યોગોને પણ ‘ઔદ્યોગિક નીતિ ૨૦૨૦’ હેઠળ સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની આ નીતિઓને કારણે ગુજરાત આજે માત્ર ભારતનું જ નહીં, પરંતુ વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આ નિર્ણાયક સહાય અને પ્રોત્સાહક નીતિઓથી રાજ્યના લાખો યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને ગુજરાતની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.