પોલિયો મુક્તિ જાળવવા 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં, અંતરિયાળ વિસ્તારોમાં ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઇલ મમતા દિવસ’થી અભિયાનને વેગ
ગાંધીનગર,તા.15
રાજ્યમાં માતા અને શિશુ આરોગ્યને પ્રાથમિકતા આપતા ગુજરાત સરકારના સઘન પ્રયાસોનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યમાં 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રસીકરણ દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થયેલી માહિતી મુજબ રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને વધુ મજબૂત બનાવી માતા અને બાળકોને વિવિધ રોગોથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ સફળ બન્યો છે.
આ સમયગાળા દરમિયાન એક વર્ષ સુધીના 11 લાખ 30 હજારથી વધુ શિશુઓને સંપૂર્ણ રસીકરણ આપવામાં આવ્યું છે. જેમાં 11 લાખ 94 હજારથી વધુ બાળકોને બીસીજી રસી, 11 લાખ 59 હજાર બાળકોને પેન્ટાવેલેન્ટ રસી અને 11 લાખ 24 હજાર બાળકોને ઓરી-રુબેલા રસી આપવામાં આવી હતી.શાળા અને બાલવાટિકા આધારિત અભિયાન હેઠળ પણ મોટા પાયે રસીકરણ હાથ ધરાયું હતું. આ અંતર્ગત 10 અને 16 વર્ષના વિદ્યાર્થીઓને શાળાઓમાં રસી આપવામાં આવી હતી, જ્યારે પાંચ વર્ષના બાળકોને બાલવાટિકાઓમાં ડીપીટીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ બંને કેટેગરીમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 24 લાખથી વધુ બાળકોને રસી આપીને રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
રાજ્યની પોલિયો મુક્તિ જાળવવા માટે વર્ષ 2025 દરમિયાન 14 જિલ્લાઓમાં ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 0 થી 5 વર્ષની વયના 24.65 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે “ટીકા એક્સપ્રેસ”, “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન” જેવી પહેલો અમલમાં મૂકી છે.માતા અને બાળ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” પખવાડિયું પણ ઉજવાયું હતું. આ દરમિયાન 3 લાખ 58 હજારથી વધુ બાળકો અને 1 લાખ 24 હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવી હતી.
આ સાથે રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16 માર્ચ નિમિત્તે રાજ્ય સરકાર ઓરી-રુબેલા નાબૂદી માટે એક દિવસીય સઘન અભિયાન શરૂ કરવાની તૈયારીમાં છે. આરોગ્ય વિભાગે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ સર્વેલન્સ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામમાંથી મળતા રિયલ ટાઈમ ડેટાના આધારે ઊંચા જોખમ ધરાવતા વિસ્તારોની ઓળખ પણ કરી છે.
તે ઉપરાંત 28 ફેબ્રુઆરીથી રાજ્યમાં હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) રસીકરણ અભિયાનનો પણ અમલ શરૂ થયો છે. આ અભિયાન હેઠળ 14થી 15 વર્ષની કિશોરીઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે, જે તેમને ગર્ભાશયના કેન્સર સામે સુરક્ષા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.