Gujarat

ગુજરાતનું ‘બનાસ બાયો-સીએનજી મોડલ’ હવે દેશમાં છવાશે

ગાંધીનગર: ગુજરાતે ‘વેસ્ટ ટુ વેલ્થ’ના વિઝનને સાકાર કરતી નવી પહેલ રૂપે ‘બનાસ બાયો-સીએનજી’ મોડલ દ્વારા દેશભરમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને હરિત ઊર્જાના વિઝનને સાકાર કરવામાં ગુજરાતનું ‘બનાસ બાયો-સીએનજી’ મોડલ રાષ્ટ્રીય સ્તરે આદર્શ બની રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત આ પ્રોજેક્ટની સફળતા જોઈને હવે દેશના ૧૫ રાજ્યો આ મોડલને અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ગાયના છાણમાંથી બાયો-ગેસ અને જૈવિક ખાતર બનાવતો આ પ્રોજેક્ટ ગ્રામીણ અર્થતંત્રમાં સમૃદ્ધિનો નવો સૂર્યોદય લાવ્યો છે.

બજેટમાં ₹60 કરોડની જોગવાઈ: 10 નવા પ્લાન્ટનું આયોજન
બાયો-સીએનજી સેક્ટરની વ્યાપક સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજય સરકારે ચાલુ વર્ષના બજેટમાં ₹60 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. આ અંતર્ગત રાજ્યની સહકારી દૂધ ઉત્પાદન મંડળીઓ દ્વારા તબક્કાવાર ૧૦ નવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પગલાથી ડેરી ક્ષેત્ર હવે માત્ર દૂધ જ નહીં, પણ સ્વચ્છ ઊર્જા ઉત્પાદનનું પણ કેન્દ્ર બનશે.

એક પ્લાન્ટથી વાર્ષિક ₹12 કરોડની આવક
બનાસકાંઠામાં હાલમાં કાર્યરત અને નિર્માણ હેઠળના પ્લાન્ટ્સ આધુનિક ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે.

  • ઉત્પાદન: દરેક પ્લાન્ટ દૈનિક ૧૦૦ મેટ્રિક ટન છાણને પ્રોસેસ કરીને ૧,૮૦૦ કિલો બાયો-સીએનજી (CNG) અને ૨૫ મેટ્રિક ટન ઘન જૈવિક ખાતર બનાવે છે.
  • આવક: ગેસ અને ખાતરના વેચાણથી પ્લાન્ટ દીઠ દૈનિક ₹3 લાખ અને વાર્ષિક આશરે ₹12 કરોડની આવક થવાનો અંદાજ છે.
  • રોજગારી: આ પ્લાન્ટ્સ ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ૪૦૦ થી ૪૫૦ પશુપાલક પરિવારો પાસેથી ₹૧ પ્રતિ કિલોના ભાવે છાણ ખરીદીને તેમને વધારાની આવક પૂરી પાડે છે.
  • પર્યાવરણ રક્ષણ: ‘ગ્રીન ગુજરાત’ તરફ ડગ માંડ્યા
    આ પ્રોજેક્ટ માત્ર આર્થિક જ નહીં પણ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ ક્રાંતિકારી છે. એક અંદાજ મુજબ, આ મોડલ દ્વારા વાર્ષિક આશરે ૬,૭૫૦ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. રાસાયણિક ખાતરના સ્થાને જૈવિક ખાતરનો ઉપયોગ વધતા જમીનની ફળદ્રુપતા જળવાશે અને ‘ગ્રીન બનાસકાંઠા’થી શરૂ થયેલી આ સફર હવે ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પને વેગ આપી રહી છે.

Most Popular

To Top