ભારતના રાજકારણ અને વેપાર પર ગુજરાતીઓનો દબદબો

ભારત અને વિશ્વના શેરબજારોમાં હાલ ભારે ઉથલપાથલ ચાલી રહી છે, જેથી ભારતના અને વિશ્વના ટોચના ધનિકોની સંપત્તિમાં વધારો-ઘટાડો થતો રહે છે. પરિણામે શૅરોમાં વધ-ઘટ સાથે સાપ સિડીની રમતની જેમ ધનિકોની યાદીના ક્રમમાં ફેરફાર થઈ રહ્યા છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે ભારત જ નહીં એશિયાના ટોચના ધનિક બનવા માટે તિવ્ર હરિફાઈ ચાલી રહી છે. દુનિયાના ધનિકોની નેટવર્થ પર રિયલ ટાઈમ નજર રાખતી વેબસાઈટ બ્લૂમબર્ગ મુજબ મુકેશ અંબાણી ૮૯.૨ અબજ ડોલરની સંપત્તિ સાથે નંબર-૧ ધનિક છે જ્યારે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર્સ મુજબ ગૌતમ અદાણી એશિયાના ટોચના ધનિક છે.

જોકે, વિશ્વના નંબર-૧ ધનિકમાં ઈલોન મસ્કના પ્રથમ ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી.ભારતમાં બે દિવસમાં શેરબજારમાં ગાબડું બોલાવા છતાં ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર્સ યાદી મુજબ અદાણી ગ્રુપના ગૌતમ અદાણીની સંપત્તિ વધીને ૯૧.૧ અબજ ડોલર થતાં તેઓ ભારતની સાથે એશિયાના નંબર-૧ ધનિક બની ગયા છે. વધુમાં શુક્રવારે તેમણે પહેલી વખત વિશ્વના ટોચના ૧૦ ધનકૂબેરોમાં સ્થાન મેળવ્યું છે. શુક્રવારે ગૌતમ અદાણીની સંપત્તિમાં ૬૩૭ મિલિયન ડોલરનો વધારો થયો છે. બીજીબાજુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ૭૯૪મિલિયન ડોલરનો ઘટાડો થતાં શુક્રવારે તેમની સંપત્તિ ઘટીને ૮૯.૨ અબજ ડોલર થઈ છે. આ સાથે તેઓ વિશ્વમાં ટોચના ૧૦ ધનકૂબેરોની યાદીમાંથી એક ક્રમ નીચે ઉતરી ૧૧મા ક્રમે આવી ગયા છે.

જોકે, બ્લૂમબર્ગની રિયલ ટાઈમ બિલિયોનર્સ યાદી મુજબ શુક્રવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં ૯૮૪ મિલિયન ડોલરનો ઘટાડો થવા છતાં તેઓ ભારત જ નહીં એશિયાના ધનિકોની યાદીમાં ટોચના ક્રમે અને વિશ્વની યાદીમાં ૧૧મા ક્રમે છે. તેમની સંપત્તિ ૮૯.૨ અબજ ડોલર છે. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ ૬૦૪ મિલિયન ડોલરના ઘટાડા સાથે ૮૭.૪ અબજ ડોલર છે. આ સાથે ગૌતમ અદાણી વિશ્વના ધનિકોમાં ૧૨મા ક્રમે છે. વધુમાં શુક્રવારે ભારતીય શૅરબજારોના બંધ થયા પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંપનીઓની માર્કેટ કેપના આધારે ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ૮,૨૪,૫૮૫.૯ કરોડ રૂપિયા છે જ્યારે અદાણી જૂથની કંપનીઓની માર્કેટ કેપના આધારે ગૌતમ અદાણીની સંપત્તિ ૭,૭૩,૭૯૨.૩ કરોડ રૂપિયા છે.દરમિયાન ગુરુવારે ફેસબૂકની પેરન્ટ કંપની મેટાના શૅરમાં ૨૬ ટકાના કડાકાના પગલે સીઈઓ માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં ૨૯ અબજ ડોલરનું ધોવાણ થયું હતું. પરિણામે માર્ક ઝકરબર્ગ ૮૪.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર્સની યાદીમાં ૧૨મા ક્રમે ધકેલાઈ ગયા છે જ્યારે બ્લૂમબર્ગની યાદીમાં તેઓ ૧૦મા ક્રમે છે.

વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે ઊતાર-ચઢાવને પગલે વિશ્વના ટોચના ધનિક ઈલોન મસ્કની સંપત્તિમાં ૩.૩ અબજ ડોલરનો ઘટાડો થયો છે. છતાં તેમણે ફોર્બ્સ અને બ્લૂમબર્ગની યાદીમાં નં.-૧નું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, અમેઝોનના સ્થાપક જેફ બેઝોસની સંપત્તિમાં ૧૧.૮ અબજ ડોલરનો ઘટાડો થતાં તેઓ આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયા છે. તેમની સંપત્તિમાં ઘટાડાનો લાભ ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટને થયો છે, જે ત્રીજા ક્રમેથી બીજા ક્રમે આવી ગયા છે. હવે રાજકારણની વાત કરી તો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે. તેઓ બીજી ટર્મ માટે પણ જંગી બહુમતિથી ચૂંટાઇ આવ્યા છે અને આગામી ચૂંટણીમાં પણ તેમનો દબદબો રહેવાની પૂરેપૂરી શક્યતા છે એટલે જો કોઇ એક વ્યક્તિ વર્ષો સુધી સળંગ વડા પ્રધાન રહે તેવી વિરલ ઘટના પણ ગુજરાતીના નામે થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નરેન્દ્ર મોદી એવા ગુજરાતી છે કે જેઓ માત્ર દેશ નહીં પરંતુ દુનિયામાં પણ ભારે દબદબો ધરાવે છે. સોશિયલ મીડિયામાં પણ તેમના ચાહકોનો વિશાળ વર્ગ છે. તો બીજી તરફ દેશના ગૃહમંત્રી પણ ગુજરાતી છે. અમીત શાહ પણ દેશના રાજકારણમાં ભારે દબદબો ધરાવે છે. તેઓ ભાજપના કી પરસન છે તેવું કહીએ તો તે પણ અતિશ્યોકિત નથી. હવે વેપારમાં પણ અદાણી અને અંબાણી વચ્ચે નંબર વન માટેની સ્પર્ધા ચાલી રહી છે એટલે નંબર વન પર કોઇ પણ રહે. પણ નંબર વન તો ગુજરાતી જ રહેશે તે વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે.

Most Popular

To Top