શેરબજારમાં રોકાણની વાત આવતી હોય તો અગ્રક્રમે ગુજરાતી જ હોય. ગુજરાતી અને શેરમાર્કેટને ઘણું લેણું છે. ભારતીય શેરબજારનો જન્મ પણ ગુજરાતના સુરત શહેરથી જ થયો હતો. બાદમાં ગુજરાતીઓએ જ મુંબઈમાં શેરબજાર શરૂ કર્યું હતું. આમ તો શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓ જ આગળ છે પરંતુ હવે ગુજરાતીઓએ એક નવો વિક્રમ પણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આ કારણે નવી નવી કંપનીઓ આઈપીઓ પણ લાવી રહી છે. શેરબજારમાં તેજીને કારણે લિસ્ટિંગના દિવસે જ આઈપીઓમાં વળતર મળી રહ્યું હોવાથી ગુજરાતીઓ આઈપીઓ પર તૂટી રહ્યા છે.
આ કારણે આઈપીઓમાં રોકાણ કરનારા રાજ્યોમાં 2023-24માં ગુજરાતનો આ વર્ષે પ્રથમ ક્રમ આવ્યો છે. માત્ર ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ હૈદરાબાદ, બેંગ્લુરૂ કે દિલ્હીને પાછળ મુકીને ગુજરાતના નાના શહેરો આઈપીઓમાં રોકાણમાં આગળ આવી ગયા છે. કોરાના બાદ શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. શેરબજારમાં વધુને વધુ રોકાણ સેકન્ડરી માર્કેટમાંથી સીધા શેરની ખરીદી કરીને કે મ્યુચ્યુઅલ ફંડ મારફત રોકાણ કરવાની દિશામાં ફંટાઈ રહ્યું છે. ત્યારે આઈપીઓ થકી પ્રાયમરી માર્કેટમાં પણ શેરના લિસ્ટિંગ સમયે જંગી નફો મળી રહ્યો છે. આ વળતરને જોતા હવે લોકોએ પોતાની બેંકોથી માંડીને અન્ય બચતોને આઈપીઓ ભરવામાં રોકી રહ્યા છે. રોકાણકારોની આઈપીઓ તરફેની લાગણી જોતા નવા-નવા અનેક આઈપીઓ આવી રહ્યા છે.
અત્યાર સુધી દેશની આર્થિક રાજધાની મુંબઈ રોકાણકારો અને નાણા સંસ્થાઓના મામલે અગ્રક્રમે હતું પરંતુ ગુજરાત તેનાથી આગળ નીકળી ગયું છે. ત્રણ વર્ષમાં કુલ 166 પબ્લિસ ઈશ્યુ દ્વારા કંપનીઓએ નાણાં ભેગા કર્યા હતા. આ આઈપીઓમાં લિસ્ટિંગના દિવસે જ 120 કંપનીનો ભાવ તેના ઈશ્યુ પ્રાઈસ કરતાં વધારે રહ્યો છે. જેને કારણે રોકાણકારો ફાવી ગયા છે. જ્યારે 46 કંપનીના આઈપીઓમાં રોકાણકારોએ નુકસાન વેઠવું પડ્યું છે. આ જોતા દર ચારમાંથી ત્રણ કંપનીમાં ફાયદો મળ્યો હોવાને કારણે રોકાણકારો ફાજલ બચતમાંથી આઈપીઓમાં નાણાં ભરી રહ્યા છે.
વર્ષ 2121-22માં આઈપીઓમાં થયેલા કુલ ભરણામાં મહારાષ્ટ્ર પહેલા સ્થાને હતું અને ગુજરાત બીજા સ્થાને હતું. ત્યારબાદ વર્ષ 2022-23માં મહારાષ્ટ્રમાંથી 32887 કરોડની સામે ગુજરાતમાંથી 21960 અરજીઓ થઈ હતી. પરંતુ 2023-24માં ગુજરાત 1.35 લાખ કરોડ સાથે પ્રથમ સ્થાને અને મહારાષ્ટ્ર 94,617 કરોડ સાથે બીજા ક્રમે આવી ગયું છે. વર્ષ 2021-22થી ગુજરાતીઓ આઈપીઓમાં રોકાણ કરીને વળતર મેળવી રહ્યા છે.
વર્ષ 2022-23 કરતાં 2023-2024માં રાજ્યની બેંક ડિપોઝિટમાં 1.66 લાખ કરોડનો વધારો થઈ ગયો હતો. જ્યારે પબ્લિક ઈશ્યુમાં ગુજરાતીઓએ 1.35 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. વર્ષ 2021-22માં ગુજરાતના 7 શહેરો આઈપીઓમાં રોકાણ કરવામાં અગ્રક્રમે હતા. પરંતુ હવે તેમાં વધારો થઈને 9 શહેર થઈ ગયા છે. અગાઉ ભૂજ આ યાદીમાં હતું પરંતુ તે હવે નીકળી ગયું છે પરંતુ તેની સામે સુરેન્દ્રનગર, જામનગર અને મહેસાણા જેવા શહેરોનો ઉમેરો થઈ ગયો છે. ગુજરાતના આ શહેરોની સામે બેંગ્લુરૂ, પૂણે, હૈદરાબાદ કે ચેન્નાઈ જેવા મેટ્રો સેન્ટરો પણ પાછળ ધકેલાઈ ગયા છે.
ધંધો અને રોકાણ કરવાની ગુજરાતીઓની આદત તેમને આઈપીઓમાં રોકાણના મામલે આગળ લઈ આવી છે. હાલમાં મ્યુચ્યુઅલ ફંડને કારણે શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે તેજી જોવા મળી રહી છે. આ તેજીનો લાભ આઈપીઓ દ્વારા કંપનીઓ લઈ રહી છે. હજુ પણ અનેક કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે. જોકે, શેરબજારમાં ખૂબ નજીકમાં સેન્ચ્યુરેસન આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. આઈપીઓમાં ભલે રોકાણ કરો પરંતુ કંપનીને સમજીને રોકાણ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે જેમ ગાડરીયો પ્રવાહ શરૂ થયો છે તે જોખમકારક છે. ગમે ત્યારે તેજીનો ફુગ્ગો ફુટે તો રોકાણકારોએ મોટી રકમનું નુકસાન વેઠવાનું આવી શકે છે. રોકાણકારો આ મામલે સાવધ નહીં રહે તો પસ્તાશે તે
ચોક્કસ છે.