ગાંઘીનગર: રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા આગામી તા. ૧૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદઘાટન સમારોહ મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ પદે પીડીઇયુ ગાંધીનગર (Gandhinagar) ખાતેથી ૧૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. કલાઈમેટ ચેન્જ યુવા જાગૃતિ પખવાડિયા અંતર્ગત તા. ૧૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે સાયન્સ સિટી, આઈ-હબ, એએમએ, નિરમા યુનિવર્સિટી, ટાગોર હોલ, ભુજ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વડનગર ખાતે સરકારી પોલીટેકનિક જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પખવાડિયા દરમિયાન કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્લાઈમેટ ચેન્જ નિવારણ માટે નવીન વિચારો અંગેની સ્પર્ધામાં પુનઃપ્રાપ્ય ઉર્જા, જળ પ્રદૂષણ- સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ માટે નાણા ભંડોળ, ઇલેક્ટ્રીક વાહન, હવા પ્રદૂષણ, ક્લાઈમેટ એક્શન, શમન, અનુકૂલન, જમીન સંરક્ષણ/માટી બચાવો પ્રાકૃતિક ખેતી, કચરા વ્યવસ્થાપન જેવા વિષયો આવરી લેવાયા છે. તેમજ પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, વન, જૈવ વિવિધતા, કચરા વ્યવસ્થાપન જેવા વિષય ઉપર સૂત્ર લેખન સ્પર્ધા અને એનર્જી સ્ટોરેજ, બેટરી સંચાલિત વાહનો, જળ વ્યવસ્થાપન- રિસાયક્લિંગ, ઘન કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન જેવા વિષયો પર જૂથ ચર્ચા પણ યોજાશે.
ક્લાઈમેટ ચેન્જને અટકાવવામાં સમાજના વિવિધ ઘટકોની ભૂમિકા, અન્નનો આદર, પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી, માટી બચાવો, પંચામૃત લક્ષ્યાંકો જેવા વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શાળા કક્ષાએ પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં પ્રદૂષણ, વનીકરણ, પૃથ્વી બચાવો, વૈશ્વિક તાપમાનમાં વધારો, પાણી બચાવો, અન્નનો આદર, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, ઈલેક્ટ્રીક વાહનો, ઓઝોન સ્તરમાં ગાબડા જેવા વિષયો પર ચિત્ર, પેઇન્ટિંગ, નિબંધ લેખન જેવી સ્પર્ધાઓ યોજાશે.