Gujarat

ગુજરાતને મળશે મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂસ્ટ, પીએમ મોદી કરશે 44 પ્રોજેક્ટ્સનો શુભારંભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેમની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેનાથી શહેરી વિકાસને મોટો વેગ મળશે. આ મુલાકાત દરમિયાન કુલ 44 શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવશે, જેની કુલ કિંમત 5,295.54 કરોડ છે. તેમાંમાંથી 3,427.14 કરોડના 26 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થશે અને 1,868.40 કરોડના 18 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ પ્રોજેક્ટ્સનો હેતુ જનકલ્યાણ વધારવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને શહેરોની સુવિધાઓ સુધારવી છે. આ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટો હિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો છે, જેમાં 4,640.12 કરોડના 32 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા 304.82 કરોડના 7 પ્રોજેક્ટ્સ, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) દ્વારા 272.86 કરોડના 3 પ્રોજેક્ટ્સ અને ગુજરાત શહેરી વિકાસ નિગમ (GUDC) દ્વારા 77.74 કરોડના 2 પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.

વડનગરમાં, જે એક ઐતિહાસિક નગર છે, ત્યાં ‘હેરિટેજ ટાઉન અર્બન ડેવલપમેન્ટ અને રોડ બ્યુટિફિકેશન’ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો અંદાજે ખર્ચ 34.45 કરોડ છે. આ પ્રોજેક્ટ દ્વારા શહેરના વારસાને જાળવવામાં આવશે અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. તેમાં આધુનિક રસ્તાઓ, અન્ડરગ્રાઉન્ડ લાઈટિંગ અને હાટકેશ્વર મંદિર સહિતના સ્થળોની સુંદરતા વધારવામાં આવશે. આ સિવાય પાટણમાં, ગેટ નંબર 41-A પાસે 43.29 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ 898 મીટર લાંબો થ્રી-લેગ રેલવે ઓવરબ્રિજ પણ ખુલ્લો મૂકવામાં આવશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. અમદાવાદમાં મુખ્ય પ્રોજેક્ટ્સમાં ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ (₹811.27 કરોડ), વાસણા-હદમતિયા ખાતે EWS આવાસ (165.54 કરોડ), ગોટા-ગોધાવી કેનાલને RCC બોક્સ કેનાલમાં પરિવર્તન (131.97 કરોડ), અને વિવિધ વિસ્તારોમાં આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. વસ્ત્રાલમાં ₹61.67 કરોડનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સમાં ખારીકટ કેનાલ ફેઝ-2 (1,061.43 કરોડ), BRTS અને AMTS માટે ITMS સિસ્ટમ (467 કરોડ), સુભાષ બ્રિજનું પુનઃનિર્માણ (236 કરોડ), નરોલથી નરોડા સુધી 14 કિલોમીટર રોડ ડેવલપમેન્ટ (255.35 કરોડ) અને ઘાટલોડિયા તળાવ ખાતે લોટસ પાર્ક ડેવલપમેન્ટ (128.85 કરોડ)નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં નવા રસ્તાઓ, સ્ટોર્મ વોટર લાઇન, પેથાપુરમાં 15 MLD STP અને સેક્ટર-6માં વર્કિંગ વુમન્સ હોસ્ટેલ જેવા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવશે. આ રીતે, પીએમ મોદીની આ મુલાકાત ગુજરાતના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની છે.

Most Popular

To Top