ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ પરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસે ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે વ્યાપક જવાબ આપતાં રાજ્યના વિકાસ દ્રષ્ટિકોણને સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “વિકસિત ભારત-૨૦૪૭”ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સમાજનો દરેક વર્ગ યોગદાન આપી રહ્યો છે અને રાજ્ય સરકાર યુવા શક્તિને કેન્દ્રસ્થાને રાખીને આગળ વધી રહી છે.
યુવાશક્તિને કૌશલ્ય આધારિત રોજગાર સાથે જોડવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે રૂ. ૨૨૬ કરોડનું પ્રાવધાન કરાયું છે. ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે બેઠકોના પુનર્ગઠનથી એન્જિનિયરિંગ ડિગ્રીમાં પ્રવેશ દર ૨૦૨૨ના ૫૦.૫૪ ટકાથી વધીને ૨૦૨૫માં ૯૧.૧૮ ટકા થયો છે, જ્યારે ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં ૬૯.૨૮ ટકાથી વધીને ૮૭.૬૦ ટકા થયો છે. આગામી વર્ષે ૨૫૦૦ નવી બેઠકો ઉમેરવાની યોજના છે.IIT મોડલ આધારીત અમદાવાદમાં રિસર્ચ પાર્ક સ્થાપવાનું શરૂ થયું છે, જ્યારે એલ.ડી. અને વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઉભી થશે.
ઋષિકેશ પટેલે કહયું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશભરમાં પ્રથમ ક્રમે છે. AI અને ડિજિટલ ગવર્નન્સ માટે રૂ. ૮૫૦ કરોડથી વધુની ફાળવણી સાથે ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સની જાહેરાત કરાઈ છે. i-Hub અને તેના પ્રાદેશિક કેન્દ્રો માટે રૂ. ૮૦ કરોડ ફાળવાયા છે. આંતરરાષ્ટ્રીય AI સમિટમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયેલા વિરોધને મંત્રીએ દેશ માટે શરમજનક ગણાવી કહ્યું કે વિદેશી મંચ પર દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી.
આરોગ્ય અને પોષણ
પી.એમ. પોષણ યોજના હેઠળ ૭૪ તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝડ કિચન માટે રૂ. ૫૫૨ કરોડ ફાળવાયા છે. છ સરકારી સિવિલ હોસ્પિટલોમાં ક્લોઝ સિસ્ટમ ICU શરૂ કરવા રૂ. ૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે, જેનાથી સારવારની ગુણવત્તા સુધરશે અને મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે.
રમતગમત અને કોમનવેલ્થ
કોમનવેલ્થ ગેમ્સની યજમાનીથી ગુજરાતને ભારતની રમતગમતની રાજધાની તરીકે વિકસાવવાની પ્રક્રિયા ઝડપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
પાણી અને સિંચાઈમાં ૩૦૪૩ કરોડ
નર્મદા પાણીના સંચાલન માટે સુજલામ સુફલામ પાઈપલાઈન યોજના (રૂ. ૧૨૩૭ કરોડ), સૌની યોજના (રૂ. ૪૭૩ કરોડ) અને કચ્છ યોજના (રૂ. ૧૩૩૩ કરોડ) મળીને કુલ રૂ. ૩૦૪૩ કરોડ ફાળવાયા છે. વલસાડ જિલ્લાના ધરમપુર–કપરાડા સિંચાઈ યોજના માટે રૂ. ૮૫ કરોડ ફાળવાયા છે.
સેમીકન્ડક્ટર અને ખનીજ ક્ષેત્ર
સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટથી ગુજરાત સેમીકન્ડક્ટર હબ બનશે. સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ રૂ. ૧,૧૦૦ કરોડ અને ઇલેક્ટ્રોનિક્સ પોલિસી હેઠળ રૂ. ૧૫૦ કરોડ ફાળવાયા છે. અંબાજી કોપર પ્રોજેક્ટ માટે રૂ. ૬૧૩ કરોડની જોગવાઈ કરાઈ છે, જે રાજ્યની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે.
સરહદી સુરક્ષા મજબૂત
કચ્છમાં બોર્ડર પોસ્ટ વિસ્તારમાં ૧૦ કિ.મી. એલિવેટેડ કેબલ નેટવર્ક પૂર્ણ થયું છે. સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ લાઈનને એલિવેટેડ કેબલ નેટવર્કમાં બદલવા રૂ. ૧૦૦ કરોડ ફાળવાયા છે.
પોતાના જવાબમાં દાવો કર્યો કે ૨૦૨૬-૨૭નું બજેટ યુવાનો, ટેકનોલોજી, ઉદ્યોગ, કૃષિ અને સુરક્ષા -બધા ક્ષેત્રોમાં ગુજરાતને નવા ઊંચાણે લઈ જનાર સાબિત થશે.