સુરત(Surat): શહેરમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો વધ-ઘટ જોવા મળ્યો હતો. દિવસનું તાપમાન (
Temperature) ચાર ડિગ્રી ઘટી જવા પામ્યું હતું ત્યારે, રાતના (Night) તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ધીમે ધીમે ઠંડી હવે વિદાય લેશે. ઠંડી વિદાય લે તે પહેલા વધુ એક સ્પેલ આવ્યો છે. હવામાન વિભાગે એક અઠવાડિયા સુધી સામાન્ય ઠંડીની આગાહી કરી છે. ત્યારે આજે દિવસના તાપમાનમાં એકાએક ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો છતાં બપોરે ઉનાળાના પ્રારંભ જેવી ગરમી અનુભવાઈ હતી. રાતના તાપમાનમાં આજે સાડા ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું હતું. બપોરે શહેરમાં હવામાં 59 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે દક્ષિણનો પવન ફુંકાયો હતો. આગામી દિવસોમાં હવે ધીમે ધીમે રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે ગરમીનો પ્રારંભ થશે અને ત્યાર બાદ ગરમી શરૂ થશે. જોકે તે પહેલા અઠવાડિયું હજી ઠંડીનો દોર યથાવત રહે તેવી સંભાવના છે.
રાજયમાં 48 કલાકમાં ઠંડીનો પારો 5 ડિગ્રી ગગડી જશે, ઠંડી વઘશે
ગાંધીનગર: રાજ્યમાં આગામી 48 કલાક દરમ્યાન રાજ્યમાં ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી ગગડી શકે છે, જેના પગલે રાજ્યમાં આગામી 48 કલાક દરમ્યાન ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તે પછી ઠંડીમાં રાહત મળશે. રાજ્યમાં આજે મધ્ય ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરમાં ઠંડીનો પારો 15 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. બીજી તરફ અમદાવાદમાં ગરમીનો પારો 33 ડિગ્રીએ નોંધાયો હતો.
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 18 ડિ.સે., ગાંધીનગરમાં 17 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 16 ડિ.સે., અમરેલીમાં 17 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે., રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 19 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.