ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સંબંધિત નિયમો તથા કાયદાઓમાં સુધારા કર્યા છે, જેના પગલે હવે મતદાર યાદીમાં હવે યુવા મતદારો (Voters) પોતાના નામ સરળતાથી દાખલ (Entry) કરી શકશે. તા.1લી ઓકટો. 2022 સુધીમાં જે યુવાઓએ 18 વર્ષ પૂર્ણ કર્યા હશે તેઓ પોતાના નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકશે.
ગાંધીનગરમાં સોમવારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 17મી જૂનથી મતદાર નોંધણી નિયમોમાં સુધારાઓ અમલી બન્યા છે. જેના પગલે હવે યુવાઓ માટે પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવું સરળ બની ગયું છે. પહેલા મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે 1લી જાન્યુ.ના રોજ 18 વર્ષ પૂર્ણ થયા હોય તે બાબત ધ્યાને લેવાતી હતી. હવે 1લી ઓકટો.ના રોજ 18 વર્ષ પૂર્ણ થયા હોય તે તારીખ ધ્યાને લેવાશે. એટલે જે યુવાઓને 1લી ઓકટો.ના રોજ 18 વર્ષ પૂર્ણ થયા હોય તે યુવા પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરી શકશે. રાજ્યમાં 10મી ઓકટો.ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરાશે.
ભારતીએ કહ્યું હતું કે હાલની મુસદ્દારૂપ મતદાર યાદીમાં રાજ્યમાં 4,83,75,821 મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 2,50,06,770 પુરૂષ મતદારો તથા 2,33,67,760 મહિલા મતદારો તથા 1291 કિન્નર મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં છથી સાડા છ યુવા મતદારોના નામો દાખલ કરાયા છે.
મુખ્ય નિર્વાચન અધિકારીની સુચના અનુસાર રાજ્યભરમાં તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ સળંગ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના ૧૦ કલાકથી સાંજના ૧૭ કલાક સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઓફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્યમથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.