ગાંધીનગર(Gandhinagar): રાજ્યમાં આગામી તા.10થી 12 જાન્યુ દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ ૧૦મી વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) યોજાનાર છે તે પૂર્વે આજે ગાંધીનગરમાં સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) ઉપસ્થિતિમાં ૩૯ MOU સંપન્ન થતાં કુલ કુલ ૧૩૫ MOU અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટે થયા છે.
સોમવારે થયેલા ૩૯ એમ.ઓ.યુ.માં ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થાએ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ માટેના, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વચ્ચે ફોરેન્સિક સાયન્સ રિલેટેડ પ્રોગ્રામ તેમજ સ્કીલ્ડ હ્યુમન રિસોર્સિસના સ્ટ્રેટેજિક MOU થયા હતા. ઉદ્યોગ ક્ષેત્રે રોકાણો ઉપરાંત રાજ્યની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને પંચમહાલ-ગોધરા મહીસાગર જિલ્લા પોલીસ વચ્ચે પોલીસ સ્ટાફના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય અને જાહેર વહીવટ તેમજ કાનૂની ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટના MOU થયા હતા.
આ ઉપરાંત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર સસ્ટેઇનેબલ એનર્જી અને ટેક્નોલોજી રિસર્ચ માટેના MOU તથા સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા સરકારી પોલિટેક્નિક તથા ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને તાલીમ કાર્યક્રમના MOU થયા હતા. અમરેલીમાં એરપોર્ટ ફલાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ માટેના MOU પણ આ ૬ઠ્ઠી કડીમાં સંપન્ન થયા હતા. આ સ્ટ્રેટેજિક MOU ઉપરાંત કેપ્ટીવ જેટી પ્રોજેક્ટ, કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ, રાજ્યમાં પ્રથમ લિથીયમ રિફાઇનરી વિકસાવવાના, ગ્રીન રિન્યુએબલ હાઇડ્રોજન ફેસેલીટી માટેના, જંતુનાશક ઇન્ટરમીડીયેટસ, સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સ પ્લાન્ટ, નેનો સેટેલાઇટ માટે સંશોધન કેન્દ્ર વગેરેના MOU પણ થયા હતા.