Gujarat

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે અનેક નવા સ્થાન, ટુરિસ્ટ પોઈન્ટ તથા સર્કિટનો થઈ રહ્યો છે વિકાસ

ગાંધીનગર: ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામોના વિકાસ તેમજ નવા પ્રવાસન આકર્ષણો ઉભા કરવાની જે કામગીરી ચાલી રહી છે, તેનો ચિતાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના બ્લોગમાં લખ્યો છે. પટેલે લખ્યું છે કે ગુજરાતમાં હેરિટેજ અને બોર્ડર ટુરિઝમના નવીન આયામો વિકસાવવામાં આવી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખી સમયાનુકૂલ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે. ધોળાવીરાની અંદાજે 5000 વર્ષ જૂની આ ધરોહરની વિશેષતાઓ અને સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તથા પ્રવાસીઓને મળી રહેલી માહિતી-સગવડમાં વધારો કરી ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ધોળાવીરાની મુલાકાત દરમ્યાન ગઢુલી-સાંતલપુર નેશનલ હાઈવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. કુલ 264 કિ.મી.ની લંબાઈના આ નેશનલ હાઈવે નંબર 754 Kની ચાર લિંકમાં ગઢુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ તથા ખાવડાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 320 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ નેશનલ હાઈવે દ્વારા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે. ઉપરાંત ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર દરગાહ અને ખાવડાને પણ સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવિટી મળતી થશે. નેશનલ હાઈવે દ્વારા 100 જેટલી બોર્ડર આઉટપોસ્ટને પણ કનેક્ટિવિટીનો વ્યૂહાત્મક લાભ મળશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ અને બનાસકાંઠાના પાણીની કુદરતી અછત ધરાવતા સીમાક્ષેત્રો સુધી અને ત્યાંના સરહદના સંત્રી એવા જાંબાઝ જવાનો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો પ્રયાસ ગુજરાત સરકારે આદર્યો છે. સરહદી વિસ્તારોમાં NCCનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે અનેક નવા સ્થાન, ટુરિસ્ટ પોઈન્ટ તથા સર્કિટ ડેવલપ થવા જઈ રહી છે. ગુજરાતના અનેક સ્થાન વિશ્વ પ્રવાસન નકશામાં ચમકવા સક્ષમ છે. બનાસકાંઠાના નડાબેટની જેમ કચ્છના ધોરડોમાં બોર્ડર ટુરિઝમનો પણ વિકાસ થઈ રહ્યો છે.

Most Popular

To Top