બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસપરસ બદલીની છૂટ અપાઈ

,

ગાંધીનગર : ગુજરાતના બે લાખ પ્રાથમિક શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા તેમની બદલીના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આગામી ટૂંક સમયમાં આ નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેમ આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ પરિપત્રના કારણે અરસપરસ બદલીની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયના કારણે શિક્ષકોને મોટો લાભ થાય તેવી શક્યતા હાલમાં જોવામાં આવી રહી છે.
વાઘાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધણા લાબા સમયથી ફરજ બજાવતા શિક્ષકો માટેના બદલી સહિતના નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. અરસ પરસ બદલીમાં વતન શબ્દ દૂર કરવામાં આવ્યો છે. વધુમાં રાજ્યના બોન્ડેડ શિક્ષકોના કિસ્સામાં 5 વર્ષ પછી અરસ પરસ બદલીની છૂટ આપી બદલીની જોગવાઈ કરવાથી તેમના પરિવાર સાથે જોડાયેલા લોકોને આ નવા નિયમોથી ફાયદો-લાભ મળશે.

જુનાગઢ, પાટણ અને ભાવનગર સહિતના જિલ્લામાં ૧૧ નવી ખાનગી યુનિવર્સિટી બનશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ પસાર કરાયું છે. જેના પગલે રાજયમાં ગાંધીનગર, જુનાગઢ, અમદાવાદ, પાટણ, સુરત, ખેડા અને ભાવનગર જિલ્લામાં ૧૧ ખાનગી યુનિવર્સિટી કાર્યરત થશે.

વિધાનસભામાં આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહયું હતું કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં ૧૧ યુનિવર્સિટીઝ હતી જે વધીને બાવન(૫૨) ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે ૯૧ યુનિવર્સિટીઓ થઇ ગઇ છે. જેમા હજુ પણ ૧૧ નવી યુનિવર્સિટીનો વધારો થશે.
તેમણે કહ્યું હતું કે, ગહન વિચાર મંથન બાદ નવી શિક્ષણ નીતિ જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવવામાં આવ્યો છે. આ નીતિના આયોજનમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ૫૦ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધોરણ-૧૨ પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ ૫૦ ટકાએ પહોંચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે.

વાઘાણીએ કહ્યું કે, આપણી સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં ગત વર્ષે વર્ગદીઠ મહત્તમ સંખ્યા ૧૭૦ થી ૧૮૦ આપવી પડી હતી. જે સારા શિક્ષણ માટે ઉચિત ન હતી. આ ભારણ ઘટાડવા માટે પણ ખાનગી યુનિવર્સિટીઓની આવશ્યકતા છે. વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦રરને પરિણામે હવે રાજ્યમાં નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીઓ ઉમેરાશે.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ૨૦૨૨ના પરિણામે હવે, ગાંધીનગર યુનિવર્સિટી-ગાંધીનગર ઉપરાંત KIPS યુનિવર્સિટી-ગાંધીનગર, સ્વામીનારાયણ યુનિવર્સિટી-ગાંધીનગર, ડૉ. સુભાષ યુનિવર્સિટી-જુનાગઢ, નોબલ યુનિવર્સિટી-જુનાગઢ, ટ્રાન્સસ્ટેડીયા યુનિવર્સિટી-અમદાવાદ, અદાણી યુનિવર્સિટી-અમદાવાદ, એમ. કે. યુનિવર્સિટી-પાટણ, વિદ્યાદીપ યુનિવર્સિટી-સુરત, મગનભાઇ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી-ખેડા અને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન-ભાવનગર એમ વધુ ૧૧ નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે.

Most Popular

To Top