સુરત: બે દિવસના કાર્યક્રમો માટે સુરત (Surat) આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) એક દિવસ પહેલા જ મંગળવારે સુરત આવી પહોંચ્યા હતા. અમીત શાહનું સુરત એરપોર્ટ (Surat Airport) પર ભાજપના (BJP) આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમીત શાહ બાદમાં સીધા સર્કિટ હાઉસ ખાતે હંકારી ગયા હતા.
અમીત શાહ રાત્રિ રોકાણ સુરતમાં કરવાના છે. એરપોર્ટ પર જ્યારે અમીત શાહ ઉતર્યા ત્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત મિશ્રા, કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી, ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંધવી, મેયર હેમાલીબેન બોધાવાલા, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, પ્રવિણ ધોધારી, વી. ડી. ઝાલાવાડીયા, અરવિંદ રાણા, વિવેકભાઈ પટેલ, કાંતિભાઈ બલર, પો.કમિ. અજય તોમર, મ્યુનિ.કમિ. બંછાનિધી પાની, કલેકટર આયુષ ઓક, ભાજપ શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા.૧૪/૯/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ઈન્ડોર સ્ટેડીયમ ખાતે ‘હિન્દી દિવસ સમારોહ’અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’માં હાજરી આપશે, ત્યારબાદ બપોરે ૨:૩૦ વાગ્યે ક્રિભકો ટાઉનશીપ, હજીરા ખાતે ક્રિભકોના બાયો-ઈથોનોલ પ્રોજેક્ટના ખાતમૂહુર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે ૪.૧૦ વાગે એ.એમ.નાયક હજીરા હેવી એન્જિનીયરીંગ કોમ્પલેક્ષ, એલ&ટી.-હજીરાની મુલાકાત લઈ કોમ્પલેક્ષનું નિરીક્ષણ કરશે. આ મુલાકાત પૂર્ણ થયે સાંજે ૪:૩૦ કલાકે સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે નવી દિલ્હી જવા રવાના થશે.