Gujarat

ઉનાળુ વેકેશનમાં દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ એસટી બસો દોડાવાશે

ગાધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન (Summer Vacation) દરમિયાન પ્રવાસીઓની માંગને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસોનું (Extra Bus) સંચાલન કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના પ્રવાસીઓના વિશાળ હિતને ધ્યાને રાખી ઉનાળુ વેકેશન-૨૦૨૩ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી જુદા-જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ એસટી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે વેકેશન સમય દરમિયાન નિગમ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી રાજ્યની મુસાફર જનતાને સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ રાજયના પ્રવાસીઓ માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

Most Popular

To Top