Gujarat

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ–2025’માં ગુજરાત 11મા ક્રમે સરક્યું

અમદાવાદ: ‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ–2025’માં ભાજપ શાસિત ગુજરાતનું પ્રદર્શન ગંભીર રીતે ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં ચોથા ક્રમે રહેલું ગુજરાત 2025માં સીધું 11મા સ્થાને પહોંચી ગયું, જે રાજ્યની ન્યાય વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

કોંગ્રેસના સૂત્રોએ આ રિપોર્ટને ભાજપ સરકાર માટે “ચેતવણીની ઘંટડી” ગણાવતા કહ્યું કે પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય– આ ચાર આધારસ્તંભો પર આધારિત અહેવાલમાં 102 સૂચકોના આધારે તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત પ્રથમ દસ રાજ્યોમાં પણ સ્થાન મેળવી શક્યું નથી. રિપોર્ટ મુજબ મોટા રાજ્યોમાં કર્ણાટક પ્રથમ, આંધ્ર પ્રદેશ બીજો, તેલંગાણા ત્રીજો, કેરળ ચોથો અને તમિલનાડુ પાંચમો ક્રમે છે, જ્યારે નાના રાજ્યોમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ ટોચ પર છે. આ યાદી દર્શાવે છે કે જ્યાં ભાજપ સત્તામાં નથી, ત્યાં ન્યાય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ હોવાનું ચિત્ર સામે આવે છે. ગુજરાતમાં ન્યાયપાલિકાની સ્થિતિ ખાસ કરીને ચિંતાજનક છે.

ગુજરાત હાઈકોર્ટમાં 38.5 ટકા અને નીચલી અદાલતોમાં 31.1 ટકા જજોની જગ્યાઓ ખાલી છે. એક હાઈકોર્ટ જજ પર સરેરાશ 4000થી વધુ કેસો હોવાના કારણે ન્યાયમાં વિલંબ હવે વ્યવસ્થાગત સમસ્યા બની ગયો છે. પોલીસ તંત્રમાં પણ ખામીઓ ઉજાગર થઈ છે. ડાયવર્સિટી રેન્કિંગમાં ગુજરાત માત્ર 4.81 સ્કોર સાથે પાછળ છે. દેશભરમાં લાખો પોલીસ કર્મચારીઓ વચ્ચે મહિલાઓનું ઉચ્ચ અધિકારી પદે પ્રતિનિધિત્વ નગણ્ય હોવાનું રિપોર્ટ દર્શાવે છે. જેલ વ્યવસ્થામાં સ્થિતિ વધુ ગંભીર છે. ગુજરાતની જેલો 100 ટકા કરતાં વધુ ભરાઈ ગઈ છે, જેમાં 26.2 ટકા કેદીઓ અન્ડરટ્રાયલ છે. રાજ્ય માનવ અધિકાર આયોગમાં સ્ટાફ અને તપાસ અધિકારીઓની મોટી ખાલી જગ્યાઓને કારણે ગુજરાત આ ક્ષેત્રમાં તળિયે પહોંચી ગયું છે. ગુજરાત કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતની રેન્કિંગમાં થયેલો ઘટાડો માત્ર આંકડો નથી, પરંતુ ભાજપ સરકારની ન્યાય વ્યવસ્થામાં માનવ સંસાધન, આયોજન અને ઈચ્છાશક્તિની નિષ્ફળતાનો સ્પષ્ટ પુરાવો છે.

Most Popular

To Top