Gujarat

ગુજરાત SIR ફાઇનલ લિસ્ટ જાહેર: રાજ્યમાં 4.40 કરોડ મતદારો, અમદાવાદમાં સૌથી વધુ મતદારો

ગુજરાતમાં ખાસ સુધારણા અભિયાન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR )પૂર્ણ થયા બાદ રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. નવી યાદી મુજબ રાજ્યમાં હવે કુલ મતદારોની સંખ્યા 4.40 કરોડથી વધુ થઈ ગઈ છે. SIR જાહેર થયા બાદ રાજ્યભરમાં 5.08 કરોડથી વધુ મતદારો સુધી ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેની ડિજિટાઇઝેશન પ્રક્રિયા મિશન મોડ પર હાથ ધરાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજ્યભરમાં બૂથ લેવલ અધિકારીઓ દ્વારા ઘર-ઘર જઈને ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન અવસાન પામેલા, કાયમી રીતે સ્થળાંતર કરેલા અથવા ગણતરી વખતે ગેરહાજર રહેલા મતદારોના પરત ન મળેલા ફોર્મની ચકાસણી માટે બૂથ લેવલ ઓફિસરો અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠક યોજાઈ હતી. મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કાઢી નાખવા સંબંધિત હક્ક, વાંધા અને દાવાઓ 19 ડિસેમ્બર 2025થી 30 જાન્યુઆરી 2026 દરમિયાન સ્વીકારવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ વાંધાઓની તપાસ કરીને તેની યોગ્ય રીતે ચકાસણી અને નિકાલ કરવામાં આવ્યો હતો. સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અથવા ડુપ્લિકેટ નામો દૂર કરીને યાદીને વધુ ચોક્કસ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાગરિકોને પોતાના નામની નોંધણી, સુધારા અથવા વાંધા રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ મોટી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થઈ હતી. યોગ્ય દસ્તાવેજોની ચકાસણી બાદ હજારો યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારા નાગરિકોના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, મતદાર યાદીને શુદ્ધ અને અપડેટ રાખવા માટે સતત ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ અભિયાનથી મતદાન પ્રક્રિયા વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી વિવિધ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ યાદી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નાગરિકોને પણ પોતાની વિગતો ઓનલાઇન અથવા સંબંધિત કચેરીમાં તપાસવાની અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ ભૂલ રહી ન જાય. તા. 1-1-2026ની સુધી 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો ફોર્મ નં. 6 ભરીને આવનારી મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ નાગરિકો જરૂરી ફેરફાર, નામ ઉમેરવા કે કાઢવા માટે ફોર્મ નં. 6, 7 અને 8 પણ સમયાંતરે ભરી શકાશે. જિલ્લાવાર યોજાયેલી આ બેઠકો બાદ સંબંધિત વિધાનસભા મતવિસ્તારમાં જે મતદારોના ફોર્મ પરત ન મળ્યા હોય તેમની વિગતવાર યાદી જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી હતી.

શહેર/જિલ્લાવાર ફાઇનલ મતદારો – 2026 (SIR અંતિમ યાદી મુજબ)

અમદાવાદ: 49,12,548
સુરત : 36,39,042
વડોદરા : 22,20,095
રાજકોટ : 20,88,779
ભાવનગર: 16,67,945
જામનગર : 10,85,032
જૂનાગઢ: 11,70,409
ગાંધીનગર : 11,95,159
મહેસાણા: 16,22,537
બનાસકાંઠા: 16,15,102
રાજ્યમાં કુલ મતદારો : 4,40,30,725

Most Popular

To Top