Gujarat

સાયન્સ સિટી ખાતે નવી ગેલેરી “એવિએશન અને ડિફેન્સ ગેલેરી” સ્થપાશે

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભામાં આજે સાયન્સ તથા ટેકનોલોજી વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ કુલ રૂ.૨૧૯૩ કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે રાજય સરકારે અમલી બનાવેલી સેમીકન્ડક્ટર પોલિસી (૨૦૨૨-૨૭) અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૫૨૪.૦૦ કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે. આ નવી નીતિ અન્વયે ગુજરાત સરકાર દ્વારા વેદાંતા-ફોક્સકોન ઉદ્યોગ સમુહ સાથે તાજેતરમાં ૧.૫૪ લાખ કરોડના MOU કરવામા આવેલ છે.

• રાજયની ઇલેક્ટ્રોનિક્સ પોલિસી (૨૦૨૨-૨૮) અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૧૨૫.૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ ક્ષેત્રમાં રાજયમાં આગામી પાંચ વર્ષમાં અંદાજીત ૧૦ લાખ નવી રોજગારીની તકો ઉભી કરવાનો ધ્યેય છે. રાજ્યમા ૩૦ બિલિયન ડોલરના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામા આવેલ છે.
• રાજયની આઈ.ટી.પોલિસી (૨૦૨૨-૨૭) અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ. ૭૦ કરોડની જોગવાઈ કરાઈ છે. ગુજરાતની વાર્ષિક IT પ્રોડક્ટના નિકાસમાં આઠ ગણી વૃદ્ધિ કરવાનો (૩૦૦૦ કરોડ થી ૨૫૦૦૦ કરોડ) અને ૫ વર્ષમાં આઈ.ટી ક્ષેત્રે ૧ લાખ નવી રોજગારીની તકો ઊભી કરવાનો આ પોલિસીનો ધ્યેય છે.
• બાયોટેક્નોલોજી પોલિસી (૨૦૨૨-૨૭) અન્વયે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૬૦ કરોડની જોગવાઈ કરાઈ છે. બાયોટેક્નોલોજી ક્ષેત્રે થઈ રહેલ સંશોધનો અને ઇનોવેશનને ઔદ્યોગિક વિકાસમાં પરિવર્તિત કરવા, આ પોલિસી દ્વારા ૫૦૦ થી વધુ ઉદ્યોગોને સહાય આપવાની અને અંદાજે ૧.૨૦ લાખ જેટલા રોજગારીના અવસરો ઊભા કરવાનો રાજ્યસરકારનો સંકલ્પ છે. આ પોલિસીમાં ઉદ્યોગોને કુલ મૂડી રોકાણના ૨૫% સહાય આપવામાં આવશે. જે અન્વયે ૨૦૦ કરોડથી ઓછા મૂડીરોકાણવાળા MSME ઉદ્યોગોને ૪૦ કરોડની મર્યાદામાં અને ૨૦૦ કરોડથી વધુ રોકાણવાળા ઉદ્યોગોને મહત્તમ ૨૦૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
• અમદાવાદ – સોલા ખાતે સાયન્સ સિટી માટે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૧૮૮ કરોડની જોગવાઈ કરાઈ છે. આગામી વર્ષે સાયન્સ સિટીને નવા નજરાણા રૂપે નવી ગેલેરી “એવિએશન અને ડિફેન્સ ગેલેરી” ની ભેટ આપવામાં આવેલ છે. જાન્યુઆરી-૨૦૨૩માં સૌથી વધુ ૧,૯૭,૩૨૮ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી તેમજ રાજ્યની સરકારી શાળાના રોજના લગભગ ૧૭૦૦ જેટલા વિદ્યાર્થી અને શિક્ષકો સાથે છેલ્લા એક વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. રાજ્ય સરકાર દ્વારા અમલી બનેલી નવી આઈ.ટી પોલિસી (૨૦૨૨-૨૭) ને વેગ આપવા માટે વર્ષ ૨૦૨૩૨૪ના અંદાજ્પત્રમા કુલ ૫૪ કરોડના ખર્ચે સાયન્સ સિટી ખાતે આઈ.ટી પાર્કનો વિકાસ કરવા માટે જોગવાઈ કરવામા આવેલ છે.
• ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી (GBU) શરૂ કરાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉચ્ચશિક્ષણ ઉપલબ્ધ કરાવવા યુનાઇટેડ કિંગડમ(યુ.કે) સ્થિત એડિનબરા યુનિવર્સિટીના સહયોગથી ગિફ્ટ સિટી નજીક ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની સ્થાપના કરવામા આવેલ છે. ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીએ આશરે રૂ.૨૦૦ કરોડના શૈક્ષણિક સહયોગ કરાર હેઠળ યુનિવર્સિટી ઓફ એડિનબરા, સ્કોટલેન્ડ સાથે ૧૦ વર્ષના કરાર કરેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં જી.બી.યુ ખાતે પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવેલ છે.

Most Popular

To Top