ગાંધીનગર : રવિવારની સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, કલોલ, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે જોરદાર પવન (Wind) સાથે વરસાદ (Rain) પડ્યો હતો. ગાજવીજ સાથે અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રવિવારે સવારના 6થી 8 વાગ્યા સુધી 54 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે મહેમદાબાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા અને નડિયાદમાં 1.7 ઈંચ. પાટણમાં 1.5 ઈંચ, ફડી, વિજાપુર,મોડાસામાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસા, દોહાદ અને અમદાવાદમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.
આગામી ત્રણ કલાક અમદાવાદ સહિત રાજ્યના 10 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સવારે 7થી 8 વાગ્યા સુધીના એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જાણકારી મળી આવી છે માત્ર 1 ઈંચ જેટલા વરસાદમાં જ અમદાવાદના ધણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાં કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરીનાં ધજાગરા ઊડી ગયા હતા. આગામી બે દિવસ દમિયાન અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, અમરેલી, ભાવનગર, ડાંગ અને તાપીમાં પણ વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ઉત્તર ભાગની દરિયાઈ પટ્ટી માટે પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
આગામી તા.૭મી જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું (Storm) આકાર પામે તો તે ગુજરાત (Gujarat) તેમજ મહારાષ્ટ્ર (Maharastra) માટે ખતરો બને તેવી સંભાવના છે. જેમાં પ્રતિ કલાકના ૩૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. ખાસ કરીને જૂનના પ્રથમ સપ્તાહમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર પામે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ ઉપરાંત ચક્રવાતી હવાના દબાણની જુદી જુદી ત્રણેક સિસ્ટમ સક્રિય થયેલી છે. જેના પગલે ગુજરાત પણ તેના પ્રભાવ ક્ષેત્ર હેઠળ આવી ગયુ છે. એક સિસ્ટમ પશ્વિમી હિમાલય પરથી પસાર થઈ રહી છે. બીજી સિસ્ટમ દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર ગુજરાતને અડીને આવેલી છે. અન્ય એક સિસ્ટમ ઓરિસ્સા ઉપર છે. આ ઉપરાંત વધુ એક ચોથી સિસ્ટમ બંગાળના અખાતમાં પૂર્વ – મધ્ય ભાગમાં આવેલી છે.