અમદાવાદ : સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જોડવાનું કાર્ય કર્યું હતું. રેલવે (Railway) પણ દેશને જોડવાનું કાર્ય કરે છે. આજે માત્ર બે રુટનું બ્રોડ ગેજમાં પરિવર્તન જ નથી થયું, પરંતુ ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના (Rajasthan) વિસ્તારો દિલ્હી અને ઉત્તર ગુજરાત સાથે જોડશે અને એને પરિણામે અનેક તકોનું સર્જન થશે. આજે ડબલ એન્જિન સરકારને કારણે ગુજરાતમાં વિકાસનાં તમામ ક્ષેત્રની ગતિ અને શક્તિ વધી રહી છે, તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂ. 2900 કરોડના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું હતું.
2014 પહેલાં રેલવે સહિતના ક્ષેત્રોમાં ગુજરાતની થઈ રહેલી ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે જે બે રુટનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ થયું છે, એ કાર્ય દાયકાઓથી અપેક્ષિત હતું. આ બ્રોડ ગેજ રૂપાંતરણથી અમદાવાદ-દિલ્હી માટે વૈકલ્પિક રૂટનું પણ નિર્માણ થયું છે. ગુજરાતના વિકાસ અને કનેક્ટિવિટી માટે આજે બહુ મોટો દિવસ છે. બ્રોડગેજ વિનાની રેલ્વે લાઇન એકલા ટાપુ જેવી હોય છે જેમ નેટવર્ક વિના કમ્પ્યૂટર અને મોબાઇલ અધૂરા છે તેમજ બ્રોડ ગેજ કનેક્ટિવિટી વિના રેલ ક્ષેત્ર અધૂરૂ છે. આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજના પરિણામે સમગ્ર રેલ્વે કનેક્ટીવીટીનું વિસ્તૃતિકરણ થયું છે.
અગાઉ આ રૂટની ટ્રેનો અન્ય રાજ્યોમાં નહોતી જઇ શકતી અને અન્ય રાજ્યોની ટ્રેનો પણ આવતી ન હતી, જે આજે લોકાર્પણ થયેલ બ્રોડગેજ લાઇનના પરિણામે સરળ અને શક્ય બનશે. મીટર ગેજની લાઇન બ્રોડ ગેજમાં પરિણમે ત્યારે નવીન વિકાસની તકો લઇ આવે છે, તેમ જણાવતાં વડાપ્રધાનશ્રી એ કહ્યું કે, જેતલસરમાં ગેજ પરિવર્તનનું કામ રેલ્વે કનેક્ટિવિટીને સરળ બનાવશે. અહીંથી નિકળેલી ટ્રેન દેશના કોઇપણ હિસ્સામાં જઇ શકશે તેમ તેમણે વધુમાં કહ્યું હતુ. .
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમદાવાદ ખાતે બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી રેલ પરિવહનના વિકાસને નવી ગતિ મળશે. વર્ષ ૨૦૧૪ પહેલાં ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટીના પ્રત્યેક કામની ઉપેક્ષા કરવામાં આવતી હતી. વર્ષ ૨૦૧૪ પહેલાં ગુજરાતમાં રેલવે વિકાસ માટે બજેટમાં માત્ર રૂ. ૫૮૦ કરોડ જ ફાળવાતા હતા. આજે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી આ રકમમાં છ ગણા વધારા સાથે રૂ. ૩૮૦૦ કરોડ ફાળવવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતને રેકોર્ડબ્રેક રૂ. ૪૭૪૫ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.