ગાંધીનગર: દેશમાં વિપક્ષના રાષ્ટ્રપતિ (President) પદના સંયુક્ત ઉમેદવાર યશવંતસિન્હાએ આજે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) ધારાસભ્યો સાથે મુલાકત કરીને તેમનું સમર્થન માગ્યું હતું. સિન્હાએ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર તથા વિપક્ષના નેતા (Leader) સુખરામ રાઠવા સાથે મહત્વની મુલાકાત કરી હતી. યશવંતસિન્હાએ કહ્યું હતું કે દેશમાં આજે અઘોષિત કટોકટી જેવું વાતાવરણ છે. ગુજરાતમાં પણ 144ની કલમ એટલેકે પ્રતિબંધિત આદેશ લાગુ કરાય છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષ દ્વારા તેમના સંયુક્ત ઉમેદવાર તરીકે યશવંતસિન્હાની પંસદગી કરાઈ છે. જ્યારે સત્તાધારી એનડીએના ઉમેદવાર તરીકે દ્રોપદી મુર્મુએ ઉમેદવારી કરી છે. તેમણે કહ્યું હતું કે પહેલા હું ગુજરાત આવતો હતો. આર્થિક બાબતો પર મારા પ્રવચન પણ થતાં હતા. હવે ગુજરાત આવવાનું થતું નથી. કારણ તમે જાણો છો. આજે મેં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદો તથા ધારાસભ્યો સાથે બેઠક કરી છે. કોંગ્રેસે સમર્થન કરવાનો વિશ્વાસ આપ્યો છે.
સિન્હાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી બહુ અસાધારણ પરિસ્થિતિમાં થઈ રહી છે. દેશમાં એક અઘોષિત કટોકટી (આપાતકાલ) લાગુ છે. જે રીતે પત્રકારોને પણ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાણી સ્વાતંત્ર્ય આપણા સંવિધાને આપ્યું છે, તેને સમાપ્ત કરવાનો એક મજબૂત પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં કોઈ પ્રકારનો ખતરો નથી, તેમ છતાં અહીં 144ની કલમ લાગુ કરાઈ છે. સાંપ્રદાયિક રીતે દેશને વિભાજીત કરવાનો પણ પ્રયાસ થઈ રહયો છે, તેની સામે આપણે જાગૃત રહેવુ જોઈએ.