ગાંધીનગર,
ગુજરાત પોલીસના શ્વાન દળ (K9 સ્ક્વોડ) માટે આ ગૌરવની ક્ષણ છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ (AIPDM) ૨૦૨૫-૨૬માં ગુજરાત પોલીસના ‘ચેક’ નામના નર ડોગે શાનદાર પ્રદર્શન કરી ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. નોંધપાત્ર છે કે, ૧૬ વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાત પોલીસના કોઈ ડોગે રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે.આ ઐતિહાસિક સફળતા બદલ રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિજેતા ડોગ ‘ચેક’, તેના સમર્પિત હેન્ડલર રમેશ ખાંટ અને ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડનું વિશેષ સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.
૨૦૦થી વધુ શ્વાનો વચ્ચે કાંટાની ટક્કર
નાગપુરમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યો અને પેરામિલિટરી ફોર્સના ૨૦૦થી વધુ પ્રશિક્ષિત ડોગ્સે ભાગ લીધો હતો.
- બેવડી સિદ્ધિ: ‘ચેક’ ડોગે માત્ર ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ જ નહીં, પરંતુ ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવી પોતાની ક્ષમતા પુરવાર કરી છે.
- કડક સ્પર્ધા: એકલી ટ્રેકિંગ કેટેગરીમાં જ ૪૫ જેટલા શ્રેષ્ઠ ડોગ્સ મેદાનમાં હતા, જેમને પાછળ પાડી ‘ચેક’ વિજેતા બન્યો હતો.
સચોટ માર્ગદર્શન અને સખત તાલીમનું પરિણામ
આ સફળતા પાછળ DGP (ટ્રેનિંગ) ડૉ. નીરજા ગોટરુના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલું વિશેષ ટ્રેનિંગ શેડ્યૂલ જવાબદાર છે. રાષ્ટ્રીય સ્પર્ધા પહેલા રાજ્ય સ્તરની સ્પર્ધા યોજીને શ્રેષ્ઠ નવ ડોગની પસંદગી કરાઈ હતી, જેમાંથી છ ડોગે નાગપુર ખાતે વિસ્ફોટક, નાર્કોટિક્સ શોધ અને ટ્રેકિંગ જેવી વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.હાલ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આશરે ૧૬૦ જેટલા પોલીસ ડોગ્સ કાર્યરત છે. આ શ્વાનો વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ગુનાની તપાસ અને દારૂ શોધ જેવી મહત્વની કામગીરીમાં પોલીસ દળને પાયાની મદદ પૂરી પાડે છે. ‘ચેક’ની આ જીતથી ગુજરાત પોલીસના ડોગ સ્ક્વોડના મનોબલમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.