દમણ-સેલવાસ(Daman-Selvas) : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) નરોલીના એક બાર સંચાલકે પોતાના મળતિયાઓ સાથે એક યુવાનને ગુજરાત પોલીસને (Gujarat Police) બાતમી કેમ આપી, આવી શંકા રાખી ઘરમાં બાંધી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે દાનહનાં નરોલી વિસ્તારમાં આવેલા એક બાર એન્ડ રેસ્ટોરન્ટનાં સંચાલક અને અમુક કુખ્યાત બુટલેગરો દ્વારા મેહુલ નામના વ્યક્તિને ગુજરાત પોલીસને બાતમી આપતો હોવાનો શંકા દાખવી તેના પગ બાંધી તેને પ્લાસ્ટિક જેવા પાઈપ અને અન્ય લાકડા જેવા હથિયાર વડે બેરહમી પૂર્વક મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો કોઈ વ્યક્તિએ ચોરીછૂપી રેકોર્ડ કરી તેને ફેસબુક અને સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં સમગ્ર પંથકમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. સંઘપ્રદેશ દાનહમાં કાયદાને હાથમાં લેતા આવા તત્વો સામે દાદરા નગર હવેલી પોલીસ સખ્ત કાર્યવાહી કરી આ ઘટનાની ઉંડી તપાસ કરે અને દોષિતોને કાયદાનો પાઠ ભણાવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.
ચીખલીમાં જમીનના જૂના ઝઘડાની અદાવતમાં પિતરીઈ બાખડયા
ઘેજ: ચીખલી તાલુકાના આમધરાના મોટી કોળીવાડમાં જમીનના ઝઘડાની અદાવતમાં મારા મારી થતા સામ-સામી ફરિયાદમાં પોલીસે છ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરીયાદી શિવાંગ બીપીનભાઇ પટેલના પિતરાઇ ભાઇઓએ એકબીજાની મદદગારીથી જમીનના ઝઘડાની અદાવત રાખી તેમને તથા તેમના ભાઇ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી માર-મારી પિતાને પણ માથાના ભાગે ફટકો મારી લોહીલુહાણ કરતા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઉપરોક્ત હકીકત મુજબની ફરિયાદમાં પોલીસે અજય પટેલ, દિપક પટેલ સામે માર-મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે સામે જશુબેન લલ્લુભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં તેમના પાડોશીઓએ અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી નજીવી બાબતે ઝઘડો કરી માર-મારતા તેમને તથા તેમના દીકરા દિપકભાઇને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ફરિયાદમાં પોલીસે શિવાંગ પટેલ, બિપીન પટેલ, રેવા પટેલ, અમિત પટેલ સામે માર -મારી જાનથી મારી નાંખવાની ધમકી સંદર્ભનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.