ગાંધીનગર,તા.10
ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા અને ગુનેગારોને સખત સજા અપાવવા માટે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી દ્વારા આ પ્રકારની AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

તપાસમાં ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ બનશે NARIT AI
પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા અને મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું આ ટૂલ Retrieval Augmented Generation (RAG) ટેકનોલોજી પર કામ કરે છે. આ સિસ્ટમ તપાસ અધિકારીઓ માટે ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કામ કરશે, જે તપાસની ગુણવત્તામાં સુધારો કરવાની સાથે કોર્ટમાં કન્વિક્શન રેટ (દોષિત ઠરાવવાનો દર) વધારવામાં મદદરૂપ થશે.
મુખ્ય વિશેષતાઓ અને કાર્યશૈલી
- FIR વિશ્લેષણ: તપાસ અધિકારીએ માત્ર FIR અપલોડ કરવાની રહેશે, ત્યારબાદ AI સિસ્ટમ કેસની મજબૂતી અને નબળાઈઓનું રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી રિપોર્ટ તૈયાર કરશે.
- કાનૂની માર્ગદર્શન: આ ટૂલ NDPS એક્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ તેમજ નવા કાયદાઓ (BNS, BNSS, BSA) પર તાલીમિત છે. તે અધિકારીઓને કઈ કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું અને કઈ ભૂલો ટાળવી તેનું ચોક્કસ માર્ગદર્શન આપશે.
- ભૂલો પર રોક: અગાઉ પુરાવા હોવા છતાં પ્રક્રિયાત્મક ખામીઓને લીધે આરોપીઓ છૂટી જતા હતા, પરંતુ આ AI સિસ્ટમ પુરાવાઓનું ચેકલિસ્ટ આપીને તપાસમાં રહેતી માનવીય ભૂલોને શૂન્ય કરશે.
- હેલ્યુસિનેશન મુક્ત: આ એક પ્રાઇવેટ AI સિસ્ટમ છે જે માત્ર વિશ્વસનીય ડેટાબેઝ પર આધાર રાખે છે, ઓપન ઇન્ટરનેટ પર નહીં. આથી ખોટી માહિતી (Hallucination) મળવાની શક્યતા નહિવત છે.
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું કહ્યું ?
આ અંગે માહિતી આપતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ડ્રગ્સ સંબંધિત ગુનાઓને જડમૂળથી ઉખેડવા મક્કમ છે. આ નેટવર્ક તોડી પાડવા અમે ટેકનોલોજીના ઉપયોગથી તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે જેથી આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કસાય.”
કોર્ટ કાર્યવાહીમાં પણ મદદરૂપ થશે
માત્ર તપાસ જ નહીં, પરંતુ કોર્ટ ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષ દ્વારા કરવામાં આવતી સંભવિત દલીલોનું પૂર્વાનુમાન લગાવીને તેનો વળતો જવાબ કેવી રીતે આપવો, તે અંગે પણ આ ટૂલ માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા વેસ્ટર્ન રેલવેના SP અભય સોનીની વિશેષ પહેલથી સાકાર થયો છે. આ એપ્લિકેશન માત્ર ગુજરાત પોલીસના ઉપયોગ માટે જ સીમિત રાખવામાં આવી છે.