ભરૂચ: આગામી ૧૦મી ઓક્ટોબરે ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર ખાતે દેશના પહેલા બલ્ક પાર્કના ભૂમિપૂજન માટે PM નરેન્દ્ર મોદી આવશે. બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ પહેલી વખત ભરૂચ જિલ્લામાં પધારી રહ્યા છે. ભારતના રૂ.૨૩૦૦ કરોડના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કનું જંબુસર ખાતે PM ભૂમિપૂજન કરનાર છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ-૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ ભરૂચ અને દહેજમાં કેબલ સ્ટેઇડ બ્રિજ તેમજ OPAL કંપનીના ઉદઘાટન તેમજ ભાડભૂત બેરેજના ભૂમિપૂજન માટે તા.૭મી માર્ચ-૨૦૧૭ના રોજ છેલ્લે આવ્યા હતા. હવે તેમના પ્રધાનમંત્રીના બીજા કાર્યકાળમાં પહેલી વખત ૨૦૪૨ દિવસ બાદ તેઓ ભરૂચ જિલ્લામાં આવી રહ્યા છે. દેશના પહેલા બલ્ક ડ્રગ્સ પાર્કના ભૂમિપૂજન માટે PM નરેન્દ્ર મોદી તા-૧૦મી ઓક્ટોબરે જંબુસર આવશે. રૂપિયા ૨૩૦૦ કરોડના ખર્ચે જંબુસરમાં બલ્ક ડ્રગ્સ પાર્કને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વડાપ્રધાન જંબુસરમાં ભવ્ય જાહેરસભાને પણ સંબોધવાના છે અને આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગુ પણ તેઓ ફૂંકશે તેમ મનાઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના ભરૂચના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની જાહેરાત હાલમાં જ કરી હતી. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે GIDC દ્વારા જગ્યા આઈડેન્ટીફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોસલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરિંગ કમિટી (SSC) સમક્ષ ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ.૧૦૦૦ કરોડની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો થશે.
આયાત ઘટશે તેમજ રોજગારી વધશે
રાજ્યમાં નવી રોજગારની તકો ઊભી થશે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી ભારત સરકારના વિઝન Make in India અને આત્મનિર્ભર ભારત ખરાં અર્થમાં સાર્થક થશે. રાજ્યના બલ્ક ડ્રગ અને મેડિકલ ઉદ્યોગ ક્ષેત્રે આયાત ઘટાડવા અને રોજગારી વધારવા બલ્ક ડ્રગ્સ પાર્ક આશીર્વાદરૂપ સાબિત થશે.