Gujarat

પીએમ સ્વનિધિ યોજનાની લાભાર્થી બહેનો પીએમને આવકારવા બનાવી રહી છે 100 ફૂટ લાંબુ બિંદી મોઝેક

ગાંધીનગર: આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે. વડોદરા (Vadodra) શહેરની બહેનોએ ૧૮ મીએ વડોદરાના મહેમાન બનનારા પ્રધાનમંત્રીનો (PM) આભાર (Thank You) માનવા કલાત્મક પરિશ્રમ આદર્યો છે. આ એ બહેનો છે જેમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યા માર્ગે લઈ ગઈ છે. એટલે પી.એમ. સ્વનિધિ યોજનાના પ્રણેતા વડાપ્રધાનને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો ૧૦૦ ફૂટ લાંબુ કલા ચિત્ર, સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓને કાપડ પર ચિપકાવીને બિન્દી મોઝેક બનાવી રહી છે.

કોરોના કાળમાં ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી. તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પી.એમ. સ્વનિધિ યોજના શરૂ કરાવીને નાના ધંધા રોજગાર કરનારાઓને રૂ.૧૦ હજાર કે રૂ.૨૦ હજારની મૂડી રોજગારી વિષયક પ્રવૃત્તિઓ શરૂ કરવા ખૂબ સરળતાથી ઉપલબ્ધ કરાવી હતી. આ યોજનાના લાભાર્થીઓમાં વડોદરા શહેરની બહેનોની મોટી સંખ્યા છે. આ બહેનો જ સંકટમાંથી ઊગારનારી આ યોજનાના પ્રણેતા પ્રધાનમંત્રીનો આભાર કલા સર્જન દ્વારા માની રહી છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર પાલિકાએ શહેરી જરૂરિયાતમંદોને આ યોજનાનો સરળ લાભ આપવા ખાસ અભિયાન ચલાવ્યું હતું. તેના હેઠળ ૬૭૨૨ મહિલાઓ સહિત કુલ ૧૭૨૩૬ લાભાર્થીઓને જામીનગીરી વગર અને નજીવા વ્યાજથી ધિરાણ દ્વારા મૂડી પૂરી પાડવામાં આવી હતી. સૂક્ષ્મ ધિરાણની આ સુવિધાથી તેમની કોરોનાથી આડા પાટે ચઢેલી જીવન નૈયાને સીધા માર્ગે લાવવામાં ખૂબ મદદ મળી હતી. સીમા ચૌહાણ, શર્મિષ્ઠા ભટ્ટ સહિતની મહિલા લાભાર્થીઓ એ આ યોજનાના પ્રણેતા પ્રધાનમંત્રીને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

Most Popular

To Top