દિવાળીનો તહેવાર છે અને કોરોનાનો કહેર પણ નથી. આ વર્ષે તમામ તહેવારો ખૂબ ઘૂમઘામથી ઉજવવામાં આવ્યા છે. હિંદુઓનો ખાસ તહેવાર દિવાળીમાં લોકો વેકેશન કરવા માટે બહાર જાય છે. શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ અનેક એવી જગ્યા છે કે જયાં તમે વેકેશન ઉજવવા માટે જઈ શકો છો. તેમજ આ સ્થળો તમને એન્જોઈમેંટ સાથે આપશે માનસિક શાંતિ.
વાત કરીએ જંગલોની તો કુદરતી સૌદર્યનો આનંદ માણવો સૌ કોઈને ગમતું હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ધણાં રાજયોમાં જંગલો આવેલા છે. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલા પોલોના જંગલની વાત કરીએ તો આઆ જંગલ હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે આવેલું છે. આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.
ગુજરાતમાં કુદરતી સંપત્તિનો ભંડાર છે. તેમજ આજના આવા સમય ન મળવા વાળા શિડયુલમાં કુદરતના ખોળે બેસવું કોને ન ગમે. આજે વાત કરવા જઈ રહ્યા છે એવી જ એક જગ્યાની. નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે દિલને ખૂશ કરી દે તેવી જગ્યા આવી છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે.
જૈન લોકો તેમજ સામાન્ય લોકો માટે મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરીઓ આવેલી છે. આમ તો આ ટેકરીઓ અરવલ્લીની પર્વતમાળાઓનો એક ભાગ ગણવામાં આવે છે. આ ટેકરીઓ કુદરતી રીતે જે છે તેની સુંદરતા જોવાલાયક છે. અહી જૈન મંદિરો આવેલા છે. કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે. જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી તો હવે કોણ વાકેફ છે જ. દેશના પીએમે સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી હતી. આજે લોખંડી પુરુષની આ 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે. આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો, લાઈટ શો, ફ્લાવર વેલી, નૌકા વિહાર, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઈ ગાર્ડન, એક્તા નર્સરી, જંગલ સફારી, એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા આ રમણીય સ્થળ વિશે તમે ચોકકસ પણે જાણતા જ હશો આ સ્થળ છે સાપુતારા. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઇન્ટનો લ્હાવો પણ માણી શકાય છે. સાપુતારાથી થોડે દૂર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.ૉ
અમદાવાદના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે, જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જે 4થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે. નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે. નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે. 200થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને અહીં સાઇબેરીયાથી પક્ષીઓ પણ આવે છે.
કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચન્દ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ કરાવે છે. અહીં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. અહીં કચ્છની પરંપરાગત-કલાત્મક વસ્તુઓ પણ મળે છે. કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહી પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ક્ષારના કારણે રણની રેતીનો ભુખરો રંગ સફેદ થઇ જાય છે. અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું દ્રશ્યમાન થાય છે.