ગાંધીનગર: રાજ્યમાં પહેલી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો-કર્મચારઓને જૂની પેન્શન (Pension) યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. જે ખૂબ અન્યાયકર્તા છે. તેથી ગુજરાત (Gujarat) રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, દેશમાં 1 એપ્રિલ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરી, નવી પેન્શન યોજના અમલી બનાવી છે. જૂની પેન્શન યોજના ચાલુ કરાવવા માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ, દિલ્હી દ્વારા દેશભરમાં આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે.
અન્ય રાજ્યમાં 1લી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા અને 2005 પછી પુરા પગારમાં આવેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવામાં આવેલી છે. જ્યારે ગુજરાતમાં 1લી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. જે શિક્ષકો-કર્મચારીઓને અન્યાયકર્તા છે.
પડોશી રાજ્ય રાજસ્થાન સરકાર જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરતી હોય તો પ્રગતિશીલ, વિકાસશીલ, વિકાસ મોડેલ એવા રાજ્યમાં કે જ્યાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય તે ગુજરાતમાં શિક્ષકો સહિત તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેવી તાત્કાલિક જાહેરાત કરવા વિનંતી છે. જો સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે, તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.