અમદાવાદ: છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના (BJP) કુશાસન દરમિયાન ગુજરાતની (Gujarat) એક આખી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ગુજરાતમાં વારંવાર પેપર (Paper) ફૂટવાની ઘટના એ ભાજપની ઓળખ બની ગઈ છે, તેવું પ્રદેશ કોગ્રેસના (Congress) મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું.
ડો.મનીષ દોશીએ સૌરાષ્ટ્રમાં વધુ એકવાર પેપર ફૂટવાની ઘટના પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના કુશાસનને કારણે પેપર ફૂટવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં બી.બી.એ., બી.કોમ.ના પેપર લીકની ઘટના સામે આવી છે. ભાજપની પરીક્ષા લેવાની સિસ્ટમમાં ગોટાળા, ગેરરીતિઓની ફરિયાદો વારંવાર આવવા છતાં પણ કોઈ પરીક્ષા લેવાની સિસ્ટમમાં સુધારો થયો નથી. જેના લીધે ગુજરાતના યુવાનોનાં ભવિષ્ય મુશ્કેલીમાં મુકાયાં છે તે ઘણો ચિંતાનો વિષય છે. ભાજપ સરકાર 25 વર્ષના શાસનમાં યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ ગઈ છે. દેશમાં અને ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ રહેલો છે. છેલ્લાં 7 વર્ષમાં દેશમાં 8 કરોડ બેરોજગાર બન્યા છે. 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર ભાજપા સરકારની ભેટ છે. ગુજરાતમાં સતત બનતી પેપર ફુટવાની ઘટનાઓ માટે જવાબદાર કોણ ? તેનો ભાજપે ગુજરાતની જનતાને ભાજપ જવાબ આપવો જોઈએ.