કચ્છ: ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની તોફાની બેટિંગની ઈનિંગનો અંત આવ્યો નથી. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ (Kutch) સહિતના ધણાં રાજ્યોમાં મેઘો અતિમહેર કરી રહ્યો છે. કચ્છમાં રવિવારની વહેલી સવારથી મેઘતાંડવ થઈ રહ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર કચ્છમાં તેમજ ગુજરાતનાં 102 તાલુકામાં મેઘમહેર થઈ છે. ધણાં રાજ્યોમાં શનિવારે જ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો.
કચ્છના અબડાસાના મોટીબેરમાં શનિવાર સાંજથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અબડાસાના મોટીબેરમાં વરસાદની સાથે ભારે પવન ફુકાતા 8 થી 10 મકાનોના નળિયા તેમજ પતરા ઉડ્યા હતા. જેના પગલે મોટીબેરના ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે હજું બે દિવસ ભારે વરસાદની આગાહી અહીં કરવામાં આવી છે. કચ્છના વડા મથક ખાતે આવેલું સમગ્ર જિલ્લાનું માનીતું ઐતિહાસિક હમીરસર તળાવ આજે સતત બીજા વર્ષે ઓવરફલો થતાં કચ્છીવાસીઓમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે.
ભુજ, ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. નલિયા, માંડવી ખાતે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત હવામાન વિભાગે જામનગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ગયુ છે. આ સાથે અરવલ્લી અને જૂનાગઢમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢનાં માણાવદર અને માળિયા હાટીનામાં વરસાદ વરસ્યો છે. માણાવદરમાં બે કલાકમાં એક ઇંચ જ્યારે માળિયા હાટીનામાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્ચો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે ગીફટ સીટી ગાંધીનગર જિલ્લાનાં ચારેય તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
શનિવારની વાત કરીએ તો કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ઉપરાંત ડેમો પણ 100 ટકા ભરાઈ ગયા છે. અમરેલીના લાઠીમાંથી પસાર થતી ગાગાડિયા નદીમાં ઘોડાપૂર આવતાં કોઝવે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ કરાયો છે. ભારે વરસાદના પગલે લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો થયો છે.