Gujarat

પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય: કુલ ૪૪,૯૧૬ મેગાવોટ ક્ષમતા સ્થાપિત

ગાંધીનગર,તા.16
ક્લાયમેટ ચેન્જ સામે લડવા અને ગ્રીન વિકાસના માર્ગે આગળ વધવા માટે ગુજરાત રાજ્ય સતત મક્કમ પગલાં ભરી રહ્યું છે. રાજ્યમાં પવન અને સૌર ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક પ્રગતિ નોંધાઈ છે અને કુલ ૪૪,૯૧૬ મેગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે.ગુજરાતવિધાનસભામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે ક્લાયમેટ ચેન્જ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં ક્લાયમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ ક્ષેત્રમાં રૂ. ૪૨૯ કરોડની જોગવાઈ કરીને પર્યાવરણ સુરક્ષા માટે વધુ મજબૂત પગલાં લીધા છે.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીની દુરંદેશીથી ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ માટે અલગ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. આ રીતે ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં ક્લાયમેટ ચેન્જ માટે અલગ વિભાગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે કહયું હતું કે ભારતીય સંસ્કૃતિમાં રહેલા પ્રકૃતિ સંરક્ષણના મૂલ્યોને આધારે રાજ્ય સરકાર વર્ષ ૨૦૪૭ સુધી ‘નેટ-ઝીરો’ લક્ષ્યાંક હાંસલ કરવા પ્રતિબદ્ધ છે. આ દિશામાં રાજ્યએ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. હાલમાં ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૧૫,૧૯૭ મેગાવોટ અને સૌર ઊર્જાની ક્ષમતા ૨૭,૪૮૬ મેગાવોટ સુધી પહોંચી છે.
તેમણે કહયું હતું કે પર્યાવરણ સંરક્ષણમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે ‘ગુજરાત

ક્લાઈમેટ એક્શન ટ્રેકર’ પોર્ટલ શરૂ કરીને દેશનું પ્રથમ જિલ્લાસ્તરીય ક્લાયમેટ એક્શન ડેશબોર્ડ કાર્યરત કર્યું છે. આ પોર્ટલ દ્વારા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને સ્વચ્છ પરિવહન અંગેનો ડેટા પારદર્શક રીતે ઉપલબ્ધ થાય છે, જેથી સંશોધકો અને નાગરિકોને ડેટા આધારિત નિર્ણય લેવામાં મદદ મળે છે.સરકારી ઇમારતોને સૌર ઊર્જાથી સજ્જ કરવાની ઝૂંબેશ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની ૫,૩૭૭ સરકારી ઇમારતો પર કુલ ૮૭ મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫થી સબસીડી યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૬૩ કરોડની સહાય આપવામાં આવી છે. ત્રિ-ચક્રી વાહનો માટે પ્રતિ વાહન રૂ. ૪૮,૦૦૦ સુધીની સબસીડી પણ આપવામાં આવે છે.

ગ્રામીણ અને સંસ્થાકીય સ્તરે ઊર્જા બચત માટે ૬૬૯થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે તેમજ ૧૦,૮૧૭થી વધુ સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ કાર્યરત કરવામાં આવી છે, જેના કારણે લાકડાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પર્યાવરણમૈત્રી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યની આદર્શ નિવાસી શાળાઓમાં ૨૨.૯૨ લાખ લિટર પ્રતિ દિવસ ક્ષમતાની સોલાર વોટર હીટિંગ સિસ્ટમ કાર્યરત છે, જે વીજળીની બચત સાથે પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બની રહી છે. મિશન લાઇફ અભિયાન હેઠળ પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ૧૯ વ્યક્તિઓ અને સંસ્થાઓને ગયા વર્ષે રાજ્ય સરકાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ક્લાયમેટ ચેન્જ વિભાગ માટે અનેક નવી પહેલો પણ કરવામાં આવી છે. તેમાં મિશન લાઇફ માટે શૈક્ષણિક અને જાગૃતિ મોડ્યુલો તૈયાર કરવા રૂ. ૯.૩ કરોડ, ગ્રીન સ્ટાર્ટઅપ એક્સેલરેશન યોજના માટે રૂ. ૫ કરોડ અને સોલાર રૂફટોપ સિસ્ટમના મોનિટરિંગ માટે આઈઓટી આધારિત વ્યવસ્થા વિકસાવવા રૂ. ૩.૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના વીજળી આધારિત સ્મશાનગૃહો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે રૂ. ૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત ૧૬ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનો ખરીદવા સહાયરૂપ થવા રૂ. ૧૧ કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત આગામી વર્ષ દરમિયાન ૭૦ સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા રૂ. ૧૨ કરોડની સહાય, ૧૨૦૦ નવી સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ સ્થાપવા રૂ. ૭ કરોડ અને સોલાર વોટર હીટિંગ સિસ્ટમ માટે રૂ. ૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે રાજ્ય સરકારે પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઊર્જા અને ગ્રીન વિકાસને કેન્દ્રસ્થાને રાખીને ક્લાયમેટ ચેન્જ સામે સશક્ત લડત માટે વ્યાપક આયોજન કર્યું છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે ક્લાયમેટ ચેન્જ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવી છે.

Most Popular

To Top