પંચાયત , શેહરી વિકાસ , મહેસૂલ , ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ સહિત પાંચ મુખ્ય વિભાગોમાં વધુ અપીલો અને ફરિયાદો નોંધાઈ છે
માહિતી મેળવવાના અધિકારમાં વધતી માંગ છતાં પારદર્શિતા મામલે પડકારો, રાજ્ય માહિતી આયોગનો રિપોર્ટ
ગાંધીનગર,તા.28
ગુજરાત રાજ્ય માહિતી આયોગના વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક અહેવાલે રાજ્યમાં માહિતી મેળવવાના અધિકારના અમલીકરણ અંગે અનેક મહત્વપૂર્ણ પાસાઓ ઉજાગર કર્યા છે. અહેવાલ મુજબ નાગરિકોમાં માહિતી મેળવવાની જાગૃતિ સતત વધી રહી છે, પરંતુ સાથે સાથે માહિતી ન મળવી, અધૂરી અથવા ગેરમાર્ગે દોરનારી માહિતી મળવાની સમસ્યા પણ યથાવત્ છે.આયોગને વર્ષ દરમ્યાન 987 જેટલી ફરિયાદો મળી હતી. જયારે આયોગ સમક્ષ 5093 માહિતી મેળવવા માટે અપીલ કરાઈ હતી. અપીલ અને ફરિયાદ સાથે કૂલ 6080 કેસો થવા જાય છે. વર્ષ 2024-25 દરમ્યાન આયોગ દ્વારા 21 કિસ્સામાં દંડ કરાયો હતો. જેમાં 14 અપીલ અને 7 ફરિયાદ સામેલ છે. આયોગે વિભાગોના અધિકારીઓને 1,41,750 નો દંડ કર્યો હતો. 2023-24માં માહિતી આયોગને 7082 કેસો (અપીલ અને ફરિયાદો) સાથે મળ્યા હતા.એટલે કે 2024-25માં 1002 કેસોનો ઘડાડો થયો છે.
માહિતી આયોગના રિપોર્ટમાં જણાવાયું છે કે પંચાયત , શહેરી વિકાસ , મહેસૂલ , ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ સહિત પાંચ મુખ્ય વિભાગોમાં કુલ અપીલો અને ફરિયાદોની સંખ્યા 4403 નોંધાઈ છે, જે કુલ કેસોના ૭૨.૪૧ ટકા જેટલા છે. આ વિભાગોમાં સામાન્ય વહીવટ, નાણા અને કાનૂની વિભાગોમાં માહિતી ન આપવાના કેસો સૌથી વધુ જોવા મળ્યા છે.માહિતી આયોગે વર્ષ દરમિયાન ૨૧ કેસોમાં અધિકારીઓને દંડ ફટકાર્યો છે, જેમાં ૧૪ અપીલો અને ૭ ફરિયાદોનો સમાવેશ થાય છે. કુલ દંડની રકમ રૂા. ૧,૪૧,૭૫૦ સુધી પહોંચી છે.
અહેવાલમાં એવી હકીકત સામે આવી છે કે માહિતી ન આપવા માટે કાયદાની જોગવાઈઓનો વધતો ઉપયોગ થઈ રહ્યો છે, જે પારદર્શિતાને અસર કરે છે. આથી આયોગે વિવિધ સુધારાત્મક ભલામણો પણ કરી છે, જેમાં અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવી, માહિતીનો પૂર્વખુલાસો મજબૂત બનાવવો, ઓનલાઈન વ્યવસ્થામાં સુધારા લાવવા અને અરજદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.આ અહેવાલ દર્શાવે છે કે રાજ્યમાં માહિતી મેળવવાના અધિકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે, પરંતુ પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા માટે હજુ અસરકારક પગલાં લેવાની જરૂર છે.
રાજય સરકારના વિવિધ વિભાગો તથા જાહેર સત્તામંડળોને વર્ષ ૨૦14 -૨૫ દરમિયાન કુલ અરજીઓની સંખ્યા ૧,૭૦,૮૬૦ મળી છે. છે, જે ગયા વર્ષની સરખામણીએ આશરે ૨૯.૫૬ ટકાનો વધારો દર્શાવે છે. 2023-24માં 1,31,875 અરજીઓ મળી હતી.