ગાંધીનગર: કર્ણાટક હાઈકોર્ટે હિજાબના મામલે આપેલા ચુકાદા બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પણ સૂચના આપી દેવાઈ છે. જેના પગલે ગુજરાતમાં પણ હિજાબના મામલે એલર્ટ કરાયું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા હિજાબના મામલે ગાઈડલાઈન – સૂચનાઓ આવી છે, જેના પગલે ગુજરાતમાં પણ અકારણ વિવાદ ના થાય તે માટે રાજ્ય સરકાર તકેદારી રાખી રહી છે. વાઘાણીએ કહ્યું હતું કે હવે ગામડાઓમાં શાળાઓનો જન્મ દિન પણ ઉજવવામાં આવનાર છે.
ગ્રામ્ય-આદિવાસી વિસ્તારોના શિક્ષકોને ખાસ ટ્રાયબલ એલાઉન્સ ચૂકવવું જોઈએ
ગાંધીનગર: શહેરોમાં તમામ પ્રકારની સગવડ હોય છે. શહેરોમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકોને સિટી એલાઉન્સ આપવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોની શાળાના શિક્ષકોને આવું કોઈ એલાઉન્સ આપવામાં આવતું નથી. આદિવાસી વિસ્તારમાં અગાઉ ટ્રાઈબલ એલાઉન્સ આપવામાં આવતું હતું, જે બંધ કરી દેવામાં આવ્યું છે. તો તેના કારણો શું છે ? રાજ્ય સરકારે ખાસ પ્રોત્સાહક જોગવાઈ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોના શિક્ષકોને એલાઉન્સ ચૂકવવું જોઈએ, તેવું વિધાનસભામાં શિક્ષણ વિભાગની માંગણીઓની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું.
સુખરામ રાઠવાએ વધુમાં કહ્યું હતું કે, પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય, તેમાં બાળકોનું ભાવિ ઘડનાર તો સતત કામ કરતા શિક્ષક જ હોય છે, પરંતુ સરકાર શિક્ષકો પાસે શૈક્ષણિક કાર્યની સાથે બિનશૈક્ષણિક કાર્યો પણ કરાવે છે. રાજ્યના શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી પડતર છે. રાજસ્થાન સરકારે શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ શિક્ષકોની માંગણી સ્વીકારી તેમના માટે જૂની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ.